મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

જમ્મુ કાશ્મીર વિકાસના માર્ગે ;શ્રીનગરમાં 12 થી 14 ઓક્ટોબર યોજાશે પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ;જમ્મુમાં સમાપન

2000 થી વધુ રોકાણકારોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.: સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન

શ્રીનગર : કલમ-370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં રોકાણ વધારવા માટે રાજ્યનો વહીવટી વિભાગ સક્રિય થયો છે રાજ્યમાં પ્રથમ વખત રોકાણકારોની એક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ (વાણિજ્ય અને ઉદ્યોગ) એન કે ચૌધરીએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે 12 થી 14 ઓક્ટોબર વચ્ચે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ 12 ઓક્ટોબરથી શ્રીનગરમાં યોજવામાં આવશે. રિપોર્ટ અનુસાર 2000 થી વધુ રોકાણકારોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.

ચૌધરીએ કહ્યું કે ઈન્વેસ્ટર સમિટ શ્રીનગરમાં યોજાશે, જ્યારે તેનું સમાપન જમ્મુમાં થશે. આ સાથે રાજ્યના અન્ય વિસ્તારોને સમાવવા સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. ચૌધરીએ જણાવ્યું હતું કે તેની તૈયારી માટે અમારી પાસે સમય ઓછો હોવા છતાં, અમે તેને સફળ બનાવવામાં કોઈ કસર છોડશું નહીં.

તેમણે જણાવ્યું હતું કે સમિટને સફળ બનાવવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ, મુંબઇમાં રોડ શો યોજવામાં આવશે અને દિલ્હીમાં મેગા રોડશો પણ યોજવામાં આવશે. એમ્બેસેડર મીટ અને મેગા મીડિયા કાર્યક્રમ પણ દિલ્હીમાં યોજવામાં આવશે.

(12:00 am IST)