મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

રિલાયન્સના શેરમાં દશકનો સૌથી મોટો ઉછાળો નોંધાયો

કારોબારના અંતે શેરમાં ૯.૬ ટકાનો ઉછાળો : ઇન્ટ્રા ડે દરમિયાન ૧૨ ટકાથી વધારેનો ઉછાળો નોંધાયો

મુંબઈ, તા. ૧૩ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની વાર્ષિક બેઠકમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવ્યા બાદ કંપનીના શેરમાં આજે જોરદાર ઉછાળો નોંધાયો હતો. ચેરમેન મુકેશ અંબાણી દ્વારા કંપનીએ ૧૮ મહિનાના ગાળામાં જ દેવા મુક્ત બનાવવાની જાહેરાત બાદ રોકાણકારોએ આરઆઈએલના શેરમાં જોરદાર ખરીદી કરી હતી. કંપનીના શેર આજે એક દશકમાં ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન સૌથી વધુ વધી ગયા હતા. રિલાયન્સના શેરમાં આજે કારોબાર દરમિયાન ૧૨.૦૯ ટકા સુધી સુધરીને ઉંચી સપાટીએ પહોંચ્યા હતા.

     છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં આ શેરમાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આ પહેલા ૧૮મી મે ૨૦૦૯ના દિવસે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન રિલાયન્સના શેરમાં ૨૪ ટકાનો વધારો નોંધાયો હતો. સેશન દરમિયાન રિલાયન્સે તેની માર્કેટ મૂડીમાં ૮૯૩૮૧ કરોડનો ઉમેરો કરી લીધો છે. વધુમાં આ શેરે શેરબજારમાં ઘટાડા ઉપરનિયંત્રણ મુકવામાં ભૂમિકા ભજવી હતી. કારોબારના અંતે રિલાયન્સના શેરમાં ૯.૬ ટકાનો વધારો નોંધાયો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રિલાયન્સના શેરમાં વધારા માટે અન્ય કારણો પણ રહ્યા હતા. આજે કારોબારના અંતે રિલાયન્સના શેરની કિંમત ૧૨૭૫ બોલાઈ હતી. આ તેજીના પરિણામ સ્વરુપે ફરી એકવાર રિલાયન્સ સૌથી મોટી કંપની બનવાની નજીક પહોંચી ગઈ છે.  હાલમાં તે ટીસીએસથી એક અબજ ડોલર પાછળ દેખાઈ રહી છે. એરટેલના શેરમાં ચાર ટકા અને વોડાફાન આઈડિયાના શેરમાં પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો. મુકેશ અંબાણીએ ગઇકાલે અનેક મોટી જાહેરાતો કરી હતી. રિલાયન્સની જાહેરાતોથી કારોબારીઓ આશાસ્પદ છે.

(12:00 am IST)