મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

જમ્મુ કાશ્મીર-લડાખ જવા રાહુલ ગાંધી તૈયાર દેખાયા

કાશ્મીરના રાજ્યપાલના નિમંત્રણનો સ્વીકાર : કાશ્મીરમાં સ્વતંત્રતાની સાથે ફરવાની મંજુરી હોવી જોઇએ

નવી દિલ્હી, તા. ૧૩ : જમ્મુ કાશ્મીરની વાસ્તવિક જમીની સ્થિતિને જોવા માટે રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિમંત્રણ સ્વિકાર કરીને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેમને કોઇ ખાસ વિમાનની જરૂર નથી. તેમને માત્ર જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા સાથે ફરવાની મંજુરી મળવી જોઇએ. રાહુલે આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, રાજ્યપાલ સત્યપાલ મલિકના નિમંત્રણને તેઓ સ્વીકાર કરે છે. જમ્મુ કાશ્મીર અને લડાખ જવા માટે પણ તૈયાર છે. રાહુલે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર અને લડાખ આવવા માટે આપના શ્રદ્ધાપૂર્વકના નિમંત્રણને તેઓ સ્વીકાર કરે છે.

        વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળ સાથે તેઓ ત્યાં પહોંચશે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઇને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા નિવેદન સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલે ખુબ જ વિચાર કરીને નિવેદન કરવું જોઇએ. કારણ કે, આ સંવેદનશીલ મુદ્દા ઉપર કોઇપણ ઉશ્કેરણીજનક કૃત્યો ખતરનાક બની શકે છે. રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે, તેઓએ રાજ્યમાં આવવા માટે રાહુલ ગાંધીને નિમંત્રણ આપ્યું છે. રાહુલ માટે વિમાન મોકલવાની પણ વાત કરી હતી. સાથે સાથે સ્થિતિની સમીક્ષા કરવાની પણ વાત કરી હતી.

        આના જવાબમાં રાહુલે ટ્વિટ કરીને કહ્યું છે કે, તેમને કોઇ ખાસ વિમાનની જરૂર નથી પરંતુ જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા સાથે ફરવાની તક મળવી જોઇએ. મુખ્ય કલમો હેઠળ ફરવાની મંજુરી હોવી જોઇએ નહીં. તેમને મુખ્ય પ્રવાહના નેતાઓ અને સૈનિકોને મળવાની પણ સ્વતંત્રતા મળવી જોઇએ. રાહુલ ગાંધીએ હાલમાં જ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં હિંસાના અહેવાલો આવી રહ્યા છે.

(12:00 am IST)