મુખ્ય સમાચાર
News of Tuesday, 14th August 2018

ટેકસ વહેલો ઉઘરાવી લીધો પણ સરકાર રિફંડનું નામ જ લેતી નથી

GST અમલમાં આવ્યાને વર્ષ વીત્યું, ઘણા સુધારા થયા પણ રિફંડ મુદ્દે 'શૂન્ય': 'ઓફ લાઇન રિફંડ' અને 'રિફંડ પખવડા'ના નાટક બાદ હજુ વેપારીઓ માટે સ્થિતિ ઠેરની ઠેર

મુંબઇ તા. ૧૪ : 'હવે જાણે કે દેશમાં વેપાર-ધંધો કરવો ગુનો બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે'. નારાજ વેપારીઓ-નિકાસકારોના આ શબ્દો જ તેમની સાચી પરિસ્થિતિનો ચિતાર રજૂ કરી રહ્યા છે. એક તરફ વેપારીઓ માટે રોજે રોજ જુદી જુદી યોજનાની જાહેરાતો થઇ રહી છે ત્યારે બીજી તરફ વેપારીઓને મહિનાઓથી જીએસટી રિફંડના નાણાં મળ્યા નથી. સરકારે નિયમ બહાર પાડી દેશભરના કરદાતાઓ પાસેથી વહેલો ટેકસ ઉઘરાવી લીધો પણ વેપારીઓના ખાતામાં રિફંડ જમા થતા નથી. વેપારી સંગઠનો દ્વારા એવી રજૂઆતો પણ થઇ રહી છે કે રિફંડ માટે 'ઓફ લાઇન રિફંડ' અને 'રિફંડ પખવાડા'ના કાર્યક્રમો પણ યોજાયા અને તેમાં કરોડો રૂપિયાના રિફંડ કલીયર કરી દેવાયા હોવાની વાતો થઇ પરંતુ કેટલા વેપારીઓના ખાતામાં આ રિફંડના નાણાં જમા થયા તેની કોઇ જ જાહેરાત કરવામાં આવતી નથી.

જે કરદાતાઓએ વહેલો ટેકસ ભરી દીધો છે પરંતુ તેમનું મહિનાઓથી બાકી રિફંડ મળ્યું નથી. આવા કરદાતા નારાજ છે. ગુજરાતના મોટા વેપારીઓ અને નિકાસકારોની રજૂઆત છે કે અમારે તો સરકાર પાસેથી રિફંડના રૂપિયા લેવાના નિકળે છે. તે અમને નહીં મળતાં વેપાર ધંધા પર માઠી અસર પડી રહી છે. રિફંડ ન મળતાં લીકિવડીટી ઘટી ગઇ છે. વેપારી સંગઠનો અને ટેકસ સલાહકારો આ અંગે વારંવાર રજૂઆતો કરે છે. સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝડ હોવાથી નાની-નાની ક્ષતિઓને આધારે રિફંડ અટકી પડતું હોય છે. જેને પગલે સરકારે 'ઓફ લાઇન રિફંડ'નો પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં વેપારી પોતાની વિગતો જે-તે ઓફિસમાં સબમીટ કરાવે, તેની મેન્યુઅલી તપાસ કરી રિફંડ રીલિઝ કરી દેવાય. પણ આ પ્રોગ્રામ સદંતર નિષ્ફળ રહ્યો છે. તે પછી રિફંડ પખવાડિયું યોજાયું પણ પણ રિફંડ મળ્યા જ નથી.(૨૧.૧૧)

(9:58 am IST)