મુખ્ય સમાચાર
News of Tuesday, 14th August 2018

વિજયસિંહ ગુર્જર :પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા અને આકરી મહેનત કરી આઇપીએસ બનીને સફળતા હાંસલ કરી

નવી દિલ્હી :ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય ઉપરાંત નવાઝુદ્દિન સિદ્દીકીની ફિલ્મ માંજીઃ ધ માઉન્ટનમેનનો એક દમદાર ડાયલોગ છે કે જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિદિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી અને હવે આઈપીએસ બનેલા વિજય સિંહ ગુર્જરે આ જ ડાયલોગને સાર્થક કરી બતાવ્યો છે અનેક ચડાવ ઉતાર પછી આઈપીએસ બનેલા વિજય સિંહ ગુર્જરે સાબિત કરી આપ્યું છે કે પોતાના લક્ષ્યને નજરમાં રાખીને આગળ વધીએ તો કોઈ જ કામ મુશ્કેલ નથી.

   રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના રહેવાસી વિજય મૂળ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા ગરીબ વિદ્યાર્થીઓ માટે એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે. આ ટ્રસ્ટના માધ્યમથી તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરે છે અને આર્થિક મદદ પણ કરે છે. દસમાં ધોરણમાં પંચાવન ટકા અને બારમામાં 67 ટકાથી પાસ થયેલા વિજય સિંહ નોકરીની શોધમાં હતાં. 

   વિજય સિંહે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ શરુ કરી. જૂન 2010માં તેમની પસંદગી દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે થઈ હતી. દિલ્હી આવીને તેમને જાણ થઈ કે એક આઈપીએસ ઓફિસર પાસે સમાજ સેવા કરવા માટે અઢળક તકો હોય છે. આથી તેમણે ગાંઠ વાળી કે તેઓ આઈપીએસ બનીને જ રહેશે. જોકે, આ માટે તેમની પાસે રુપિયા નહોતાં. 

   આ પછી તેમણે એસએસસી (સ્ટાફ સિલેક્શન કમિટિ)ની પરીક્ષા પાસ કરીને સેન્ટ્રલ એક્સાઈઝમાં ત્રિવેન્દ્રમમાં નોકરી મેળવી. સિવિલ સેવાની તૈયારી દિલ્હીમાં ચાલી રહી હોવાના કારણે તેમની તૈયારીને અસર પહોંચી આ પછી ફરી એસએસસીની પરીક્ષા આપીને દિલ્હી ઈન્કમ ટેક્સ વિભાગમાં નોકરી મેળવી. 2016માં તેમણે ત્રીજી વાર સિવિલ સર્વિસની પરીક્ષા આપી. 

    સંસ્કૃત જેવા અઘરા વિષય સાથે મેઈન્સ આપ્યાં બાદ પણ ઈન્ટરવ્યૂ માટે તેમની પસંદગી થઈ હતી. જોકે, આઠ માર્ક્સ ઓછા હોવાના કારણે તેમની પસંદગી થઈ શકી નહોતી. આ પછી પણ તેમણે હાર ન માની. નોકરી સાથે નિયમિત વાંચનનું પરિણામ એ આવ્યું કે પાંચમા પ્રયાસમાં 2018માં તેમને સફળતા મળી હતી. વિજય સિંહ ગુર્જરની આ સફળતા સાબિત કરી આપે છે કે જો હૈયામાં હામ હોય તો ગમે તેવો અભાવ પણ તમારો વિજયરથ રોકી શકતો નથી.

(9:09 am IST)