મુખ્ય સમાચાર
News of Tuesday, 14th July 2020

સિવિલ હોસ્પિટલમાં વધુ ૬નો 'કાળ' બનતો 'કોરોના'

રાજકોટ કોઠારીયા રોડના શાંતાબેન વેકરીયા (ઉ.૫૫), જસદણના શરીફાબેન રાઠોડ (ઉ.૬૦), સુરેન્દ્રનગરના સુશિલાબેન શેઠ (ઉ.૭૫), વઢવાણ રતનપરના ગોવિંદભાઇ સોલંકી (ઉ.૮૦), ધ્રોલના અસલમભાઇ ડોસાણી (ઉ.૫૮) તથા ઢાંકના પાયલબેન માકડ (ઉ.૨૦)ના મોતઃ પાયલબેન અને શાંતાબેનનો રિપોર્ટ બાકીઃ અન્ય ચારેય પોઝિટિવ હતાં

રાજકોટ તા. ૧૪: વૈશ્વિક મહામારી કોરોના કાબુ બહાર થઇ જતાં રોજબરોજ માનવજીવ હોમાઇ રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં ગઇકાલે ત્રણના મોત થયા બાદ રાત્રીથી આજ બપોર સુધીમાં વધુ ૬ દર્દી માટે કોરોના કાળ સાબિત થયો છે. જેમાં બે દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. રાજકોટના કોઠારીયા રોડના પ્રોૈઢ, સુરેન્દ્રનગરના વૃધ્ધા, વઢવાણના રતનપરના વૃધ્ધ, જસદણના વૃધ્ધા, ધ્રોલના પ્રોૈઢ તથા ઉપલેટાના ઢાંકના ૨૦ વર્ષિય યુવતિના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટના પ્રોૈઢ અને ઢાંકના યુવતિના રિપોર્ટ બાકી છે. અન્ય ચારેય દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતાં.

કોરોનાના કેસ સતત વધી રહ્યા હોઇ અને મોતનો આંકડો પણ ઉપર જઇ રહ્યો હોઇ આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ ગઇકાલથી સોૈરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. જામનગર હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ગત સાંજે રાજકોટ પહોંચ્યા હતાં અને કલેકટર કચેરી ખાતે કલેકટર સહિતની હાજરીમાં ખાસ બેઠક યોજી મિડીયાને પણ માહિતી આપી હતી. તેમની હાજરી રાજકોટમાં છે ત્યારે જ સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ સેન્ટરમાં રાત્રીથી આજ સવારથી બપોર સુધીમાં ૬ દર્દીના મૃત્યુ થયા છે. જો કે સત્તાવાર રીતે તંત્રો દ્વારા મોતના આંકડા કે તેની વિગતો જાહેર કરવામાં આવી રહ્યા નથી.

પ્રાપ્ત માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં દાખલ જસદણના શરીફાબેન જમાલભાઇ રાઠોડ (ઉ.વ.૬૦), સુરેન્દ્રનગર લીંબડીનો ઉતારો જવાહર ચોક ખાતે રહેતાં સુશિલાબેન હરિલાલ શેઠ (ઉ.વ.૭૫), વઢવાણના રતનપરના ગોવિંદભાઇ દાનાભાઇ સોલંકી (ઉ.વ.૮૦) તથા ધ્રોલના અસલમભાઇ ઇસ્માઇલભાઇ ડોસાણી (ઉ.વ.૫૮) અને ઉપલેટાના ઢાંકના પાયલબેન જગુભાઇ માકડ (ઉ.વ.૨૦)ના સવાર સુધીમાં મોત નિપજ્યા હતાં. એ પછી બપોરે છઠ્ઠા દર્દી બપોરે રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં શાંતાબેન જેન્તીભાઇ વેકરીયા (ઉ.વ.૫૫)એ પણ દમો તોડી દીધો છે. છ માંથી રાજકોટના પ્રોૈઢા અને ઢાંકના યુવતિના રિપોર્ટ આવવાના બાકી હતાં. અન્ય ચારના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલા હતાં.

ગઇકાલ સુધીમાં છેલ્લા નવ દિવસમાં સિવિલના કોવિડ વિભાગમાં ૨૪ દર્દીના મોતની નોંધ થઇ ચુકી હતી. હવે વધુ ૬ દર્દીનો ઉમેરો થતાં આ આંકડો ૧૦ દિવસમાં ૩૦ સુધી પહોંચી ગયો છે.

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે તમામ તંત્રો ઉંધામાથે થયા છે. આવા સમયે લોકોએ પણ જાતે જાગૃત બનવું અને સચેત બનવું જરૂરી છે. કોરોનાથી બચવાની સરકારે, તંત્રોએ જે માર્ગદર્શિકા બહાર પાડી છે તેનું ફરજીયાત કડક પાલન કરવું અનિવાર્ય છે. આપણી  બેદરકારી આપણા માટે જ નુકસાનકારક સાબિત થશે એ વાતને સોૈએ ધ્યાને રાખવી જરૂરી છે.

(3:17 pm IST)