મુખ્ય સમાચાર
News of Saturday, 14th July 2018

ડિઝેસ્ટર મેનેજમેન્ટની મોક-ડ્રિલ માટે છોકરીને પરાણે કૂદકો મરાવ્યો અને ખરેખર તે મરી ગઈ

ચેન્નાઈ, તા. ૧૪ :. તામિલનાડુના કોઈમ્બતુરમાં એક આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ડિઝેસ્ટર મેનેજમેન્ટ માટે કોલેજના વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે નેશનલ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા દ્વારા એક મોક-ડ્રિલનું આયોજન થયું હતું. એમાં બીજા માળથી ૧૯ વર્ષની લોગેશ્વરી નામની એક યુવતીને નીચે કૂદકો મારવાનું કહેવામાં આવ્યું હતુ. નીચે બીજા લોકો ચાદર લઈને ઉભા હતા પરંતુ લોગેશ્વરીને ડર લાગતો હતો. તે કુદવા માટે આનાકાની કરી રહી હતી. એવા સમયે તેની સાથે ઉભેલા ટ્રેઈનરે તેને ધક્કો માર્યો. ટીનેજરે કુદકો માર્યો હોત તે કદાચ તે બિલ્ડીંગથી અંતર જાળવી શકત, પણ તૈયાર ન હોવાથી પહેલા માળે બનાવેલા સિમેન્ટના છજા સાથે અથડાઈ. તેનુ માથું છજા સાથે અફળાયું અને ગળામાં એને કારણે કાપો પણ પડી ગયો. નીચે ચાદર લઈને ઉભેલા લોકોએ તેને ઝીલી તો લીધી, પણ વચ્ચે થયેલી આ ઈન્જરીને કારણે તે બેભાન થઈ ગઈ. તરત જ તેને ડોકટર પાસે લઈ જવામાં આવી, પરંતુ હોસ્પીટલના ડોકટરોએ તપાસને તેને મૃત જાહેર કરી હતી. હવે ટીનેજરને ધક્કો મારનાર પેલા ટ્રેઈનર સામે પગલા લેવાની માગ થઈ રહી છે.(૨.૩)

 

(11:33 am IST)