મુખ્ય સમાચાર
News of Saturday, 14th July 2018

નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી પ્રચારના આજથી શ્રી ગણેશ કરશે

તમામ ૮૦ સંસદીય સીટોને તેઓ આવરી લે એ રીતે તેમનો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે

લખનૌ તા.૧૪: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ઓકટોબર સુધીમાં ઉત્તર પ્રદેશની તમામ ૮૦ લોકસભા સીટો પર પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી આજથી પૂર્વાચલથી પોતાના આ પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે. માનવામાં આવી રહયું છે કે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મોદી આ પ્રવાસમાં બીજેપી સરકારનું રીપોર્ટકાર્ડ રજૂ કરી શકે છે.

નરેન્દ્ર મોદીના પ્રવાસની શરૂઆતનાં મતદારક્ષેત્રોમાં વારાણસી, અપના દલ (સોનેલાલ)નાં નેતા અનુપ્રિયા પટેલના મિર્ઝાપુર અને આઝમગઢ તેમ જ વિરોધ પક્ષના ગઢ મનાતા વિસ્તારો સામેલ છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ મોદીની રેલીઓ અને સાર્વજનિક સભાઓની યોજના એ રીતે તૈયાર કરવામાં આવશે કે પ્રત્યેક પ્રવાસમાં ઓછામાં ઓછા ત્રણ સંસદીય મતદારક્ષેત્રોનો સમાવેશ કરી શકાય.

સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રવાસ દરમ્યાન મોદી કૃષિમુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. હાલમાં વડાપ્રધાને ખેડૂતોના સંમેલનને સંબોધન કરતાં લઘુતમ ટેકાના ભાવની વૃદ્ધિ પર ચર્ચા કરી હતી. ૨૯ જુલાઇએ મોદી લખનઉ જશે, જયાં તેઓ ઇન્દિારા ગાંધી પ્રતિષ્ઠાનમાં એક સમારોહમાં ભાગ લેશે. મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં રોકાણકારોના શિખર સંમેલન દરમ્યાન અનેક પ્રોજેકટ્સ લોન્ચ કરશે. (૧.૩)

(9:26 am IST)