મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

બાળકોને રસી આપવાનું કાઉન્ટડાઉન : દિલ્હીમાં કાલથી 175 બાળકો માટેનું રજિસ્ટ્રેશન શરૂ થશે

દિલ્હી એઇમ્સમાં 15 જૂનથી 6 થી 12 વર્ષના બાળકો પર રસીનાં ટ્રાયલ માટે નામાંકન : 12થી 18 વર્ષનાં બાળકો માટે સ્વયંસેવકોનાં નામાંકનની પ્રક્રિયા પૂર્ણ

નવી દિલ્હી : કોરોનાની ત્રીજી લહેર બાળકોને ન સ્પર્શે તે માટે તેમને બચાવવા રસીનું સુરક્ષા કવચ આપવા પર ભાર મુકાઇ રહ્યો છે. રસી ખરીદવા માટે અનેક કંપનીઓ સાથે ચાલતી વાતચીત વચ્ચે દેશની સ્વદેશી રસી એવી કોવેક્સિને બાળકો પરનાં ટ્રાયલ માટે દિલ્હી એઇમ્સમાં નોમિનેશન પણ શરૂ કર્યું છે.

પટના અને દિલ્હી એઇમ્સમાં બાળકો પર રસીનું ટ્રાયલ તો પહેલેથી જ શરૂ થઇ ગયું છે પણ આ ટ્રાયલ્સને વધારે ઝડપથી આગળ વધારવા અને વધુને વધુ બાળકો પર તેનું પરિક્ષણ કરવા માટેની તૈયારીઓ પણ થઇ ગઇ છે. દિલ્હી એઇમ્સમાં 15 જૂનથી 6 થી 12 વર્ષના બાળકો પર રસીનાં ટ્રાયલ માટે નામાંકન શરૂ થશે. 12થી 18 વર્ષનાં બાળકો માટે સ્વયંસેવકોનાં નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે અને તેમને પહેલો ડોઝ અપાઇ ચૂક્યો છે. 15 જૂનથી 175 બાળકો માટેનું રજિસ્ટ્રેશન શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, ભારતની કોવેક્સિનને બાળકો પરનાં રસીકરણ માટેનાં ટ્રાયલની મંજૂરી અગાઉ આપી દેવાઇ હતી. આ મંજૂરી હેઠળ કોવેક્સિન ત્રણ તબક્કામાં આ ટ્રાયલ કરી રહી છે. તેમાં 2 થી 6 વર્ષનાં બાળકો 6 થી 12 વર્ષનાં અને 12 થી 18 વર્ષનાં બાળકોનું પરીક્ષણ કરાશે. દરેક જૂથનાં 175 બાળકોને આ રસી આપવામાં આવશે. પહેલો ડોઝ આપ્યાનાં 28 દિવસ બાદ તેનો બીજો ડોઝ આપવામાં આવશે.

12થી 18 વર્ષનાં બાળકોને રસીનો પહેલો ડોઝ અપાઇ ગયો છે ત્યારે સરકાર હવે તેની રસી ખરીદવા માટે ભારત બાયોટેક સાથે વાતચીત કરી રહી છે. ત્રીજી લહેર આવે તે પહેલાં બાળકોને બચાવી લેવા યુદ્ધનાં ધોરણે કામગીરી થઇ રહી છે. એટલું જ નહીં, 12થી 18 વર્ષનાં 1.30 કરોડ બાળકોને પહેલાં તબક્કામાં રસી આપવાનું સરકારનું આયોજન છે. 80 ટકા બાળકોને યુદ્ધનાં ધોરણે રસી આપવાની તૈયારી સરકાર કરી રહી છે. તેના માટે સરકારને બે કરોડથી વધારે ડોઝની જરૂર પડશે. જો આ રસી ત્રણ ડોઝવાળી હશે તો તેનાથી પણ વધારે ડોઝની જરૂર પડશે.

(10:36 pm IST)