મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

તમિળનાડુ : ૧૮ ધારાસભ્યોનો મેમ્બરશીપ કેસ લાર્જર બેંચમાં

પલાનીસામી સરકારને હાલ પુરતી રાહત મળી ગઈઃ મદ્રાસ હાઈકોર્ટે પાંચ મહિનાના ગાળા બાદ ચુકાદો આપ્યો હાઈકોર્ટની બે જજ બેંચે આખરે વિભાજિત ચુકાદો આપ્યો

ચેન્નાઈ, તા.૧૪: મદ્રાસ હાઈકોર્ટે આજે ૧૮ ધારાસભ્યોની મેમ્બરશીપ રદ કરવાના મામલામાં આશરે પાંચ મહિનાના ઇન્તજાર બાદ પોતાનો ચુકાદો આપી દીધો હતો. આજે કોર્ટના ચુકાદા બાદ પલાનીસામી સરકારને કામચલાઉ રાહત મળી ગઈ હતી. આ મામલામાં હાઈકોર્ટની બે જજની બેંચે વિભાજિત ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે એકબાજુ સ્પીકર દ્વારા ધારાસભ્યોની મેમ્બરશીપ રદ કરવાના ચુકાદાને માન્ય રાખ્યો હતો જ્યારે બીજા જસ્ટિસ સુંદરે ધારાસભ્યોની મેમ્બરશીપ રદ કરવાની સામે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાથી પલાનીસામી સરકારને રાહત મળી ગઈ છે. ચુકાદો વિભાજિત રહ્યા બાદ હવે નિર્ણાયક ફેંસલો ત્રણ જજની બેંચ દ્વારા કરવામાં આવશે. આ ચુકાદાથી રાજ્ય સરકાર ગબડી પડવાનો ખતરો હાલમાં ટળી ગયો છે. અત્રે નોંધનીય છે કે, બેંચ પોતાનો ચુકાદો અનામત રાખી ચુકી છે. ચુકાદો આવતા પહેલા મુખ્યમંત્રી પલાનીસામી પોતાના આવાસ ઉપર વરિષ્ઠ પ્રધાનો સાથે બેઠક કરતા નજરે પડ્યા હતા. તેઓ ચુકાદો આવવાની સ્થિતિમાં જુદા જુદા પાસા ઉપર વાતચીત કરી રહ્યા હતા. હકીકતમાં જો કોર્ટે ધારાસભ્યોની મેમ્બરશીપ રદ કરવાનો ચુકાદો ફગાવી દીધો હોત તો સરકારને ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાની ફરજ પડી હોત. જેના કારણે સરકાર ગબડી પડવાની સંભાવના હતી. ટીટીવી દિનાકરણે ચુકાદાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જનતા વિરોધી સરકારને થોડાક વધુ મહિના માટે તક મળી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, એક જજે સ્પીકરના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

(9:44 pm IST)