મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

UPPSC પરીક્ષા ઉપર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર

મુખ્ય પરીક્ષા ૧૮ જૂનના દિવસે યોજવા નિર્ણય :પ્રારંભિક પરીક્ષાની ઉત્તરવહીઓને ફેરચકાસવા માટેના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

નવીદિલ્હી,તા. ૧૪ :સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની મુખ્ય પરીક્ષા પર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો છે. મુખ્ય પરીક્ષા ૧૮મી જૂનના દિવસે યોજાનાર છે. આની સાથે જ અલ્હાબાદ હાઈકોર્ટના એવા આદેશને પણ ફગાવી દેવામાં આવ્યો છે જેમાં પ્રારંભિક પરીક્ષાની ઉત્તરવહી ફરી ચકાસવા માટે કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ દિપક ગુપ્તાની વેકેશન બેંચે યુપીપીએસસીની અપીલને સ્વીકારતા વિદ્યાર્થીઓની અપીલ ફગાવી દીધી છે. યુપીપીએસસી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની દલીલ હતી કે, યુપીપીએસસી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું નથી જેથી મુખ્ય પરીક્ષા પર પ્રતિંધ મુકવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ તરફથી કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારના દિવસે કહ્યું હતું કે, જો કોર્ટ પ્રતિયોગી પરીક્ષા આયોજિત કરનાર ઓથોરિટીના ચુકાદાના જ્યુડિશિયલ રિવ્યુના પોતાના અધિકારના ઉપયોગમાં દરમિયાનગીરી કરે છે તો આના લીધે પરીક્ષાને અસર થશે. સુપ્રીમ કોર્ટે મંગળવારના દિવસે આ મામલામાં ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલામાં અરજીદાર વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી અને મુખ્ય પરીક્ષા પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, પ્રારંભિક પરીક્ષાના સવાલના વિકલ્પ યોગ્ય ન હતા. આ મામલામાં મુખ્ય પરીક્ષા પર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે. હકીકતમાં આ મામલામાં અરજીદાર વિદ્યાર્થીઓએ પહેલાની પરીક્ષામાં વિકલ્પોમાં ભુલના આધાર પર અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ઉત્તરવહીની ચકાસણી કરવાનો આદેશ કર્યો હતો. આદેશ બાદ લોકસેવા આયોગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

(7:36 pm IST)