મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

હરિયાણાના મહેન્‍દ્રગઢ જિલ્લાના સંતરામ નામના વ્‍યક્તિની ઋતુવિરોધી પ્રવૃત્તિઃ શિયાળામાં ગરમીનો અનુભવ અને ઉનાળામાં ઠંડી લાગે છે

મુંબઇઃ એક તરફ દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. કોઈ તમને કહે કે ઉનાળામાં સ્વેટર પહેરીને ફરો તો?!…પણ એક વ્યક્તિ પરસેવે રેબઝેબ થઈ જવાતી ગરમીમાં પણ 3-4 રજાઈ ઓઢીને બહાર નીકળે છે. અને આનાથી ઊલટું શિયાળામાં કરે છે. વાંચીને લાગીને નવાઈ….

દિલ્હીથી થોડે દૂર હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના એક વ્યક્તિ સંતરામનું કહેવું છે કે, “મને ગરમીમાં ખૂબ જ ઠંડી લાગે છે.આટલું જ નહીં અસહ્ય ગરમીમાં સંતરામ રજાઈ ઓઢીને ફરે છે અને તાપણું કરે છે. તો સંતરામને હાડ થીજવતી ઠંડીમાં અસહ્ય ગરમી લાગે છે. જેમ જેમ ગરમીનો પારો વધે છે તેમ તેમ સામાન્ય માણસ ગરમીથી ત્રાહિમામ પોકારી જાય છે. એવામાં સંતરામ રાત્રે વધારે રજાઈઓ ઓઢીને સૂઈ જાય છે.

આસપાસના લોકોનું કહેવું છે કે સંતરામ બાળપણથી જ આવું કરે છે. મહેન્દ્રગઢના ગામ ડેરોલી અહીરના નિવાસી સંતરામ શિયાળામાં ગરમી અનુભવે છે. સાથે જ શિયાળામાં સંતરામ બરફ પર ઊંઘી જાય છે અને બરફ ખાય પણ છે. શિયાળામાં સંતરામ સવારે 5 વાગ્યે ઉઠીને તળાવમાં સ્નાન કરે છે અને આખો દિવસ પાણીમાં રહે છે.

સંતરામના પરિવારે જણાવ્યું કે, જિલ્લા પ્રશાસને તેમનું સન્માન કર્યું છે અને મદદ પણ કરી છે. બહારથી ડોક્ટર્સની ટીમે આવીને તેમનું ચેકઅપ પણ કર્યું છે. પરંતુ કોઈ પરિણામ ન મળી શક્યું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સંતરામને લોકો ‘હવામાન વિભાગ’ તરીકે ઓળખે છે. ડેપ્યુટી CMO અશોક કુમારે કહ્યું કે, સંતરામને કોઈ બીમારી નથી. કેટલાક ડોક્ટર્સના મતે તેમણે આજ સુધી આવો વ્યક્તિ નથી જોયો. સંતરામ પર મેડિકલ કૉલેજમાં રિસર્ચની પણ તૈયારીઓ ચાલી રહી છે.

(6:15 pm IST)