મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકવાદીઓએ કાયરતાના દર્શન કરાવ્યાઃ રજા માણવા ઘરે ગયેલા જવાનનું અપહરણ કર્યું

જમ્‍મુ-કાશ્મીરઃ જમ્‍મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ કાયરતાના દર્શન કરાવ્યા હતાં અને પરિવાર સાથે ઘરે રજા માણવા ગયેલ ભારતીય જવાનનું અપહરણ કર્યુ હતું.

સેનાનો જવાન  ઔરંગઝેબ જ્યારે પોતાને ઘરે રજાઓ માણવા ગયો હતો ત્યારે આતંકીઓએ તેનું અપહરણ કર્યું છે. તે પુંછનો રહેવાસી છે. તેનું અપહરણ પુલવામાથી કરવામાં આવ્યું. તે પોતાના અંગત વાહન પર જઇ રહ્યો હતો. જવાન 44 રાષ્ટ્રીય રાઇફલમાં છે. તે સેનામાં એન્ટી ટેરર ઓપરેશનનો ભાગ હતો અને તેની પોસ્ટિંગ સોફિયામાં હતી.

સેનાએ જણાવ્યું કે જવાનને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જવાનનું અપહરણ હિઝબુલ મુઝાહિદ્દીનના ખતરનાક આતંકીઓ સાથેના અથડામણ પછી કરવામાં આવ્યું. જેમાં હિઝબુલ આતંકી સમીર ટાઇગરનું પણ એનકાઉન્ટર કરવામાં આવ્યું હતું. સમીર ટાઇગર A++ કેટેગરીનો આતંકી હતો અને તે તમામ આતંકી હુમલામાં સામેલ હતો.

અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ કાશ્મીર આવ્યાં હતાં. જ્યાં તેમણે કાશ્મીરમાં વધી રહેલી આતંકી ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'શાંતી પરત લાવવામાં મદદ કરો', નહીંતો એક વધુ જનરેશન પણ અંધારામાં ખોવાઇ જશે.

નોંધનીય છે કે સમીર ટાઇગર 2016માં હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતો. તે ઘણાં આતંકી હુમલામાં સામેલ હતો. બુરહાન વાની પછી સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે જોવામાં આવતો હતો. સમીરે આતંકી વસીમના જનાજામાં ફાયરિંગ પણ કરી હતી.

(6:09 pm IST)