મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

દગાબાજ એનઆરઆઈ પતિઓ પર સિકંજોઃ સંપત્તિ જપ્ત થશે

યુવતીઓ સાથે લગ્ન કરી વિદેશ ભાગી જતા પતિઓનું હવે આવી બનશેઃ સરકાર કાયદામાં ફેરફાર કરશેઃ સમન્સ જાહેર થયા બાદ હાજર નહિ થાય તો ભાગેડુ જાહેર કરાશે અને પાસપોર્ટ રદ્દ કરાશે

નવી દિલ્હી, તા. ૧૪ :. ભારતીય યુવતીઓ સાથે લગ્ન કરી એનઆરઆઈ પુરૂષો વિદેશ ભાગી જાય તેવી ફરીયાદો અને આ સમસ્યાને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે કાયદામાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર જાણી જોઈને કોર્ટ કાર્યવાહીને નજરઅંદાજ કરનાર એનઆરઆઈ પતિઓની સંપત્તિને જપ્ત કરવા માટે કાયદામાં ફેરફાર કરશે કે જેથી આ પ્રકારના લોકો ઉપર અદાલતી સમન્સનો જવાબ આપવા માટે દબાણ લાવી શકાય.

એનઆરઆઈ યુવકો સાથે લગ્નમાં યુવતીઓનું શોષણ અને તેમની સાથે છેતરપીંડીની ફરીયાદો સતત વધી રહી છે. એવામાં આકર્ષક જીવનશૈલીની લાલચ આપીને લગ્ન કરી મહિલાને છોડી વિદેશ ભાગી જનાર પતિઓ પર કાનૂની કાર્યવાહી અને મહિલાને ન્યાય અપાવવાના માર્ગ શોધવા માટે પ્રધાનોના સમુહની એક બેઠક યોજવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં એનઆરઆઈ પતિઓ ઉપર વેબસાઈટ થકી સમન્સ આપવા બાબતે સહમતી થઈ હતી. આ વેબસાઈટ પર સમન્સ નાખવામાં આવશે અને એવુ માનવામા આવશે કે આરોપીએ તેને સ્વીકારી લીધુ છે. આ પ્રક્રિયાને લાગુ કરવા કાયદામાં ફેરફાર કરવામાં આવશે.

બેઠકમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી, કાનૂની મંત્રી રવિશંકર પ્રસાદ, ગૃહમંત્રી રાજનાથ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે વેબસાઈટ પર સમન્સ જારી થયા બાદ પણ આરોપી હાજર ન થાય તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવશે અને તેનો પાસપોર્ટ રદ કરવામાં આવશે. આ સિવાય આરોપી એનઆરઆઈની સંપત્તિ પણ જપ્ત કરવા કાર્યવાહી થશે.(૨-૩)

(11:47 am IST)