મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

GST પોર્ટલમાં ફેરફારઃ વેપારીઓને રાહત

હવેથી કોમ્પોઝીશન ડિલર્સની ખરીદીની વિગતો પણ જાણવા મળશે

નવી દિલ્હી, તા. ૧૪ :. ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના અમલને એક વર્ષ થવા આવ્યુ છે ત્યારે સિસ્ટમમાં સતત સુધારાની પ્રક્રિયા ચાલી જ રહી છે. તાજેતરમાં જ જીએસટીના પોર્ટલમાં અનેક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે વેપારીઓને લાભ મળશે. અત્યાર સુધી જો કોઈ કારણોસર કોઈ વેપારીનો જીએસટી નંબર કેન્સલ થઈ ગયો હોય તો તેને ફરી કાર્યાન્વિત કરવાની સુવિધા પોર્ટલ પર નહોતી પરંતુ હવે એકટીવેટ કરવામાં આવી છે. રિટર્ન તથા ઈનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી)ને લગતા સુધારા પણ કરવામાં આવ્યા છે.

સીએ કરીમ લાખાણીએ જણાવ્યુ હતું કે, 'જીએસટી પોર્ટલમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે વેપારીઓ તથા ટેકસ પ્રેકટીશનરોને ઘણી રાહત મળી રહી છે. અત્યાર સુધી રિટર્નની ફ્રિકવન્સી બદલવી વેપારીઓ માટે શકય નહોતું. કોઈ વેપારીનું ટર્નઓવર રૂ.૧.૫૦ કરોડથી વધારે હોય પરંતુ તેણે ભૂલમાં ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ પસંદ કરી લીધો હોય તો તેને માસિક રિટર્નમાં બદલવાની સુવિધા પોર્ટલ પર આપવામાં આવી નહોતી, જે હવે મળતી થઈ છે. આ ઉપરાંત, ઈનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી) રિવર્સિબલ કરવાની હોય ત્યારે સિસ્ટમમાં એસજીએસટી અને સીજીએસટીની એક સમાન રકમ ધારીને સિસ્ટમ એટલી રકમ ભરી દેતી હતી. જો કે, હવે એવો સુધારો કરવામાં આવ્યો છે કે એસજીએસટી અને સીજીએસટીની આઈટીસી અલગ અલગ હોય તો તેને અલગ અલગ દર્શાવવી શકય બનશે.'

કોમ્પોઝિશન વિકલ્પ પસંદ કરનારા વેપારીઓ માટે પણ હવે પોર્ટલ પર મહત્વનો ફેરફાર થયો છે અને જીએસટીઆર-૪ એ નામનું ફોર્મ મુકવામાં આવ્યું છે. કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર કોમ્પોઝિશન હેઠળ આવતા ડીલરને માલનું વેચાણ કરે ત્યારે જે તે કોમ્પોઝિશન ડિલરની ખરીદીની જાણ સરકારને થશે. લાખાણીએ જણાવ્યું હતુ કે, 'ભવિષ્યમાં સરકાર કોમ્પોઝિશન ડીલર્સની ખરીદીની વિગતો પણ માંગે તેવી શકયતા છે. પોર્ટલ પર એડવાન્સ રૂલિંગ પણ ઉપલબ્ધ બન્યુ છે એટલે કે ટેકસેશનનું કલાસિફીકેશન (વિવિધ ચીજો પર લાગતો દર) જાણી શકાશે. અત્યાર સુધી આ ગાઈડલાઈન્સ ઉપલબ્ધ નહોતી.'ઉપરાંત પોર્ટલ પર ટેકસ અધિકારીની માહિતી મેળવવાનું ટૂલ પણ મુકવામાં આવ્યુ છે અને જે તે ઘટકમાં કયા અધિકારી છે ? તેની માહિતી વેપારીઓ મેળવી શકશે. જીએસટીઆર-૨એમાં અત્યાર સુધી સુધારો થઈ શકતો નહોતો પરંતુ તાજેતરમાં આ સુધારા પણ શકય બનાવવામાં આવ્યા છે. (૨-૧)

જીએસટી પોર્ટલમાં મહત્વના ફેરફાર

- જીએસટી પોર્ટલમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે અને તેથી વેપારીઓ તથા ટેકસ પ્રેકટીશનરોને ઘણી રાહત મળી રહી છે

- ઈનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી) રિવર્સિબલ કરવાની હોય ત્યારે સિસ્ટમમાં એસજીએસટી અને સીજીએસટીની એક સમાન રકમ ધારીને સિસ્ટમ એટલી રકમ ભરી દેતી હતી, હવે તેમા સુધારો થયો છે

 

(11:45 am IST)