મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

રાહુલ ગાંધીને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગ :CWCની બેઠકમાં પાર્ટીની કમાન સોંપવા મહોર લાગશે

ચિંતન શિબિરમાં ગ્રુપ ચર્ચાની વચ્ચે સોનિયા ગાંધીએ અચાનક બેઠક બોલાવી :આ બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ, પ્રદેશ પ્રમુખો, પ્રભારી નેતાઓને બોલાવવામાં આવ્યા હતા.

નવી દિલ્હી :કોંગ્રેસમાં ચાલી રહેલી રાહુલ ગાંધીને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ હવે પૂરી થવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ આ અંગે નિર્ણય લેવા માટે શનિવારે ઉદયપુરમાં ચાલી રહેલા નવસંકલ્પ ચિંતન શિબિરમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર રાહુલને પાર્ટીની કમાન સોંપવા માટે સહમત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે રવિવારે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ જાહેર કરવાનું લગભગ નક્કી છે

સૂત્રોના જણાવ્યા અનુસાર ચિંતન શિબિરમાં સવારે ગ્રુપ ચર્ચાની વચ્ચે સોનિયા ગાંધીએ અચાનક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ, પ્રદેશ પ્રમુખો, પ્રભારી નેતાઓને બોલાવવામાં આવ્યા હતા.

પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ઓગસ્ટમાં ચૂંટણી યોજાવાની છે. પરંતુ શનિવારે મળેલી બેઠકમાં ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીને તાજપોશી કરવાનો નિર્ણય લગભગ લેવામાં આવ્યો છે. આ સાથે 2024માં થનારી લોકસભાની ચૂંટણીને લઈને ઘણા મહત્વપૂર્ણ સૂચનો સામે આવ્યા છે. આ બેઠકમાં ઓગસ્ટમાં ચૂંટણીના એક મહિના બાદ ઓક્ટોબરમાં જન જાગરણ યાત્રા દ્વારા રાહુલ ગાંધી માટે માહોલ બનાવવા પર પણ સહમતિ સધાઈ હતી.

(8:19 pm IST)