મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

દર વર્ષે ૨૧મી મે આંતકવાદ વિરોધી દિવસ તરીકે ઊજવાશે

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર જારી કરાયા : આનો ઉદ્દેશ્ય યુવાનોને આતંકવાદ-હિંસાથી દૂર કરવાનો છે

નવી દિલ્હી, તા.૧૪ : આતંકવાદના ઈરાદાને ધ્વસ્ત કર્યા બાદ કેન્દ્ર સરકારે હવે દર વર્ષે આતંકવાદી વિરોધી દિવસ પણ ઉજવવા જઈ રહી છે. તેને લઈને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર જારી કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા પત્ર હેઠળ દર વર્ષે ૨૧ મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવશે. આ પત્ર બધા રાજ્યના મુખ્ય સચિવો, બધા મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર કરવાનો છે. તેમને જણાવવામાં આવશે કે, આતંકવાદનો સફાયો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી કઈ કઈ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત તેમને એ પણ જણાવવામાં આવશે કે, તેમની એક ભૂલ કઈ રીતે રાષ્ટ્રીય સમસ્યા બની શકે છે. કેન્દ્રનું માનવું છે કે, જો યુવાઓ સાચા રસ્તા પર આવી જશે તો આતંકવાદ તેમની રીતે જ સમાપ્ત થઈ જશે.

પત્રમાં કહેવામાં આવ્યું કે, બધા કાર્યાલયો, જાહેર વિસ્તારમાં આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી આતંકવાદ વિરોધી સંદેશને પણ પ્રસારિત કરવામાં આવી શકે છે. પત્રમાં કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારના કાર્યાલયમાં ૨૧ મે ના રોજ શનિવાર હોવાથી રજા રહેશે. આવી સ્થિતિમાં ઓફિસો અથવા જ્યાં શનિવારે રજા નહીં હોય ત્યાં ૨૧ મે ના રોજ જ શપથ ગ્રહણ કરાવવામાં આવશે.

 

 

(7:56 pm IST)