મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

રશિયન સૈનિકો પોતાના કૃત્યોનો પરિવારજનો સમક્ષ સ્વિકાર કરે છે

રશિયન સૈનિકોના ઘાતકી કૃત્યનો વધુ એક ખુલાસો : રશિયન સૈનિકની કબૂલાત, મેં ઘણા યુક્રેની નાગરિકોની હત્યા કરી છે, કેટલાક લોકો દયાની ભીખ માગી રહ્યા હતા

નવી દિલ્હી, તા.૧૪ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયન સૈનિકોના ઘાતકી કૃત્યોનો વારંવાર ખુલાસો થતો રહ્યો છે. યુક્રેનની સિક્યુરિટી એજન્સીનો દાવો છે કે, રશિયાના સૈનિકો જ્યારે પોતાના પરિવારજનો સાથે ફોન પર વાત કરે છે ત્યારે પોતાના કૃત્યોનો પરિવારજનો સમક્ષ સ્વીકાર કરતા હોય છે. એજન્સીનુ કહેવુ છે કે, એક કોલ રેકોર્ડિગ અમને હાથ લાગ્યુ છે અને તેમાં ફોન કરનાર રશિયન સૈનિક પોતાની પત્ની સાથે વાત કરી રહ્યો છે અને તે કહે છે કે, મેં ઘણા યુક્રેની નાગરિકોની હત્યા કરી છે, કેટલાક લોકો દયાની ભીખ માંગી રહ્યા હતા ત્યારે મેં તેમના માથામાં ગોળી મારી હતી.

આ સૈનિક પોતાની પત્નીને કહે છે કે, નાસત્યા હું તને  જણાવવા માંગુ છુ કે હું યુક્રેનમાં લોકોને મારી રહ્યો છું. તુ મને આ બધુ કેમ પૂછે છે? હું તને નહીં કહુ કે હકીકતમાં અહીંયા શું થઈ રહ્યુ છે. મેં એક વ્યક્તિનુ માથુ મશીનગનથી ઉડાવી દીધુ હતુ. બીજા ૧૦૦ લોકોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા.

સૈનિકની વાત સાંભળીને તેની પત્ની કહે છે કે, આ બધુ સાંભળ્યા બાદ આપણે એક સાથે કેવી રીતે રહીશું.

ત્યારે પત્નીના સવાલની ઉપેક્ષા કરીને આ સૈનિક કહે છે કે, હું કોઈ પણ વ્યક્તિને મારી શકુ છું અને હું કોઈનાથી ડરતો નથી. આ સાંભળીને સૈનિકની પત્ની પૂછે કે શું તને આ બધી વાત પર ગર્વ છે? ત્યારે સૈનિક કહે છે કે, મેં નાગરિકોને ઉંડા ખાડામાં ગોળી મારીને ફેંક્યા હતા. તેઓ રડતા રહ્યા હતા અને મારી પાસે જીવની ભીખ માંગી રહ્યા હતા પણ મેં તેમને ગોળી મારી દીધી હતી.

 

(7:54 pm IST)