મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

મમતા બેનર્જી પોતાને પીએમના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે

૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારીના પડઘમ : મમતા બેનરજી માટે તેમની પાર્ટીએ પ્રચાર અભિયાનનુ લોન્ચિંગ કર્યુ, ઈન્ડિયા વોન્ટસ મમતા દી ...નામ અપાયું

કોલકાતા, તા.૧૪ : ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાને પીએમના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે તે નિશ્ચિત થઈ ગયુ છે.

વિપક્ષ તરફથી પીએમ પદનો સંયુક્ત ઉમેદવાર હશે કે નહીં તે તો હજી નક્કી નથી થયુ પણ મમતા બેનરજી માટે તેમની પાર્ટી ટીએમસીએ પ્રચાર અભિયાનનુ લોન્ચિંગ કર્યુ છે અને તેને ઈન્ડિયા વોન્ટસ મમતા દી ...નામ અપાયુ છે. આ જ પ્રકારનુ અભિયાન ટીએમસી દ્વારા વિધાનસભાની ચૂંટણીઓ પહેલા લોન્ચ કરાયુ હતુ અને તેમાં નારો અપાયો હતો કે, બંગાળને તેની પોતાની દીકરી જ જોઈએ છે...

જોકે હવે ટીએમસી રાષ્ટ્રીય સ્તરે પોતાનુ કદ વધારવા માટે મહત્વકાંક્ષા રાખી રહી છે. જેના ભાગરૂપે ઈન્ડિયા વોન્ટસ મમતા દી કેમ્પેન લોન્ચ કરાયુ છે. આ કેમ્પેનને હાલમાં ડિજિટલ કેમ્પેન તરીકે આગળ વધારવામાં આવી રહ્યુ છે.

આ કેમ્પેનની પહેલી લાઈનમાં લખવામાં આવ્યુ છે કે, દિલ્હીમાં પણ હવે મા-માટી અને માનુષની સરકાર બનશે. આ અભિયાનનો ઉદ્દેશ મમતા બેનરજીને દેશના પહેલા બંગાળી પીએમ બનાવવા માટે લોકોના અભિપ્રાયને મજબૂત બનાવવાનો છે.

આ અભિયાન માટે ટીએમસી દ્વારા ઈન્ડિયાસ વોન્ટ મમતા દીદી નામની એક વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે, પાર્ટી મમતા બેનરજીના વિચારોને આખા દેશના લોકો સુધી પહોંચાડશે. કારણકે અમે ઈચ્છીએ છે કે, દરેક ભારતીયને સુશાસન મળે.

(7:53 pm IST)