મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

૯.૫ કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. ૧૯૦૦૦ કરોડ જમા

દેશના કરોડો અન્નદાતાઓ માટે આજે શુભ દિવસ : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો ૮મો હપ્તો જારી : દરેક ખેડૂતોને દર ચાર મહિને ૨-૨ હજાર લેખે વર્ષે રૂ. ૬૦૦૦ મળે છે

નવી દિલ્હી તા. ૧૪ : દેશના કરોડો ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૮મો હપ્તો જમા થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના ૯.૫ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૯ હજાર કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, દેશના કરોડો અન્નદાતાઓ માટે કાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો ૮મો હપ્તો જમા થઇ રહ્યો છે તેનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ અવસર પર આપણા ખેડૂત ભાઇ-બહેનો સાથે સંવાદ પણ કરીશ. આ અવસર પર કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ખેડૂતોની સ્થિતિમાં સુધાર લાવવા માટે કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. જેનો ૮મો હપ્તો સરકાર જમા કરી રહી છે.

આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં ૬૦૦૦ હજાર વર્ષના રોકડ આપવામાં આવે છે. આ યોજનાને ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશથી શરૂ કરી હતી. આ ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ કિસાન પરિવારોને અત્યાર સુધીમાં ૧.૧૫ લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવી ચૂકયા છે.

વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી કિસાન સમ્માન નીધિ યોજના હેઠળ ૨ હેકટર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂત પરિવારોને ૬ હજાર રૂપિયા પ્રતિ વર્ષના દરથી મદદ કરવામાં આવી રહી છે. તેના હેઠળ ગ્રામીણ તથા શહેરી ક્ષેત્રની યાદીમાં સામેલ લાભાર્થીઓને આવતા ૫ વર્ષ સુધી ૬ હજાર આપવામાં આવશે.

(11:00 am IST)