મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

રસીના ઉત્પાદનના સવાલ પર ભડકી ઉઠ્યા કેન્દ્રીય મંત્રી : શું અમારે ફાંસીએ લટકી જવુ

નવી દિલ્હી,તા.૧૪: સમગ્ર દેશમાં હાલમાં કોરોનાની વેકસીનની તંગી જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ ગુરૂવારે જણાવ્યું હતું કે જો વેકસીનના ડોઝ ઉપલબ્ધ ન હોય તો શું સરકારમાં કામ કરતા લોકો પોતાની જાતને ફાંસી લગાવી દે?

કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રીએ ગઇ કાલે પત્રકારોને જણાવ્યું હતું કે, કોર્ટે સારા ઈરાદાથી આ વાત કરી છે કે દેશમાં બધાએ વેકસીન લેવી જોઈએ. હું તમને પૂછું છું કે જો કોર્ટ કાલે કહેશે કે તમારે આટલા ડોઝ આપવાના છે અને જો તે ઉપલબ્ધ ન હોય તો શું અમારે અમારી જાતને ફાંસીએ લટકાવી દેવી જોઈએ?

હાલમાં દેશમાં રસીકરણ ઝડપી બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ વેકસીનની તંગી જોવા મળી રહી છે. તેવામાં ગૌડાએ આ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું હતું કે સરકાર પોતાનું કામ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરી રહી છે અને આ દરમિયાન કેટલીક ખામીઓ પણ સામે આવી છે.

તેણે સામે સવાલ કર્યો હતો કે, વ્યાવહારિક રીતે કેટલીક બાબતો અમારા નિયંત્રણની બહાર છે, શું અમે તેનું મેનેજમેન્ટ કરી શકીએ છીએ? સરકાર તે સુનિશ્ચિત કરવા માટે પોતાના તરફથી સર્વશ્રેષ્ઠ કામ કરી રહી છે કે લોકોને ઝડપથી વેકસીન મળે.

નોંધનીય છે કે કર્ણાટકમાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક છે અને દૈનિક ૪૦થી ૫૦ કેસ સામે આવી રહ્યા છે. તેવામાં વેકસીનની માંગ પણ વધી ગઈ છે. રાજય સરકારના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજયએ ત્રણ કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે અને બે વેકસીન નિર્માતાને ચૂકવણી પણ કરવામાં આવી છે.

(10:11 am IST)