મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

કોરોના સામેનો જંગ હારી ગયા

ટાઈમ્સ ગ્રુપના ચેરપર્સન ઈંદુ જૈનનું ૮૪ વર્ષની ઉંમરે નિધન

ગઇરાત્રે ૯.૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધાઃ ઈંદુ જૈનને ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા : જીવન એક અવિશ્વસનીય સાહસિક કાર્ય છે અને તમારે તેને તમારૂ સર્વશ્રેષ્ઠ આપવું જોઈએ

નવી દિલ્હી, તા.૧૪: ટાઈમ્સ ગ્રુપના ચેરપર્સન ઈંદુ જૈનનું ૮૪ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. ઈંદુ જૈન એક અગ્રણી ભારતીય મીડિયા હસ્તી હતાં. તેઓ ભારતના સૌથી મોટા મીડિયા જૂથ બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડના ચેરપર્સન હતાં, જેને ટાઈમ્સ ગ્રુપના નામથી ઓળખવામાં આવે છે. તેઓ આજીવન આધ્યાત્મિક સાધક, અગ્રણી પરોપકારી, કળા વિશિષ્ટ સંરક્ષક અને મહિલાઓના અધિકારોના સમર્થક હતાં. ગુરુવાર, ૧૩ મેએ રાત્રે ૯.૩૫ કલાકે તેમણે છેલ્લા શ્વાસ લીધા. ટાઈમ્સ ગ્રુપના ચેરપર્સન કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહ્યા હતાં અને છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં એડમિટ હતાં.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટાઈમ્સ ગ્રુપના ચેરપર્સન ઈંદુ જૈનના નિધન પર શોક વ્યકત કર્યો છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, ટાઈમ્સ ગ્રુપના ચેરપર્સન શ્રીમતી ઈંદુ જૈનના નિધનથી દુઃખી છું. તેમને તેમની સામાજિક સેવા પહેલો, ભારતની પ્રગતિ પ્રત્યે જનૂન અને આપણી સંસ્કૃતિમાં ગંભીર રૂચિ માટે યાદ કરવામાં આવશે. મને તેમની સાથે મારી વાતચીત યાદ છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.

ઈન્દુ દૈન ધ ટાઈમ્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ હતા જેની તેમણે સ્થાપના કરી હતી. ટાઈમ્સ ફાઉન્ડેશન પૂર, વાવાઝોડા, ભૂકંપ અને રોગચાળા જેવી કુદરતી આફતોમાં રાહત માટે સામુહિક સેવા, અનુસંધાન ફાઉન્ડેશન અને ટાઈમ્સ રિલીફ ફંડ ચલાવે છે. તેઓ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ પણ હતા જે પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડ આપે છે. જાન્યુઆરી ૨૦૧૬માં ઈન્દુ જૈનને ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ઈન્દુ જૈને એક વખત કહ્યું હતું કે, વર્તમાનમાં જીવવાનો મતલબ છે ભૂતકાળ માટે પસ્તાવો નથી, ભવિષ્યની ચિંતા નથી. જીવન આ જ છે. હું એક સાધક જન્મી હતી. હું શોધવા માટે ઘણી જીજ્ઞાશુ અને ઉત્સુક રહી છું. મને 'ખુશ રહેવા' અને 'એક ઉદ્દેશ્ય હોવા' વચ્ચે કોઈ વિકલ્પ દેખાતો નથી. અલગ-અલગ દેખાતા વિકલ્પ એક જ હોઈ શકે છે. જીવન એક અવિશ્વસનીય સાહસિક કાર્ય છે અને તમારે તેને તમારું સર્વશ્રેષ્ઠ આપવું જોઈએ.

(10:05 am IST)