મુખ્ય સમાચાર
News of Thursday, 13th May 2021

શું રસીનો બીજો ડોઝ લેવો એ તેમનો મૂળભૂત અધિકાર નથી. કર્ણાટક હાઈકોર્ટે રસીની અછત સામે કર્યો સવાલ

ન્યાયાધીશ અરવિંદ કુમારની બેન્ચે કહ્યું રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ જ બચી છે જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં છે

બેંગ્લુરુ :કર્ણાટક હાઈકોર્ટે રાજ્યમાં કોરોના રસીની અછત અને લોકોને બીજો ડોઢ મેળવવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની બેન્ચે કહ્યું કે રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ જ બચી છે જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં છે. હાઈકોર્ટે રસીની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને પ્રશ્ન કર્યો કે શું રસીનો બીજો ડોઝ લેવો એ તેમનો મૂળભૂત અધિકાર નથી.

કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા (ASG) ઐશ્વર્ય ભાટીને પૂછ્યું, 'તમે આ અંતરને કેવી રીતે દૂર કરી શકશો?' કોર્ટે સરકાર પાસેથી એ પણ જાણવા માંગ્યું કે રસીનો બીજો ડોઝ સમયસર ન લેવાનાં પરિણામ શું આવી શકે. કોર્ટે પૂછ્યું કે શું આર્ટિકલ 21 હેઠળ સમય મર્યાદામાં કોરોના રસીનો બીજો ડોઝ લેવો તે લોકોનો મૂળભૂત અધિકાર નથી?

ASGએ કોર્ટને જણાવ્યું કે એક કોર ટીમ અભ્યાસ કરી રહી છે કે શું રસી નિયત સમયમર્યાદા પછી પણ લઈ શકાય કે નહીં, અને બે દિવસમાં તે પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

આ અંગે બેંચે કહ્યું, 'આ બધા બહાના છે જે અમને કહેવામાં આવી રહ્યા છે. મને કહો કે તમે કેવી રીતે રસીના અભાવને દૂર કરશો. શું વધુને વધુ લોકોને ઇમ્યુનિટી મેળવવી જરૂરી નથી?'

ASGએ બેંચને જણાવ્યું કે રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે તેઓ 45 કે તેથી વધુ વયજુથના લોકોને અગ્રતા આપે, કે જે રસીનો બીજો ડોઝ લેવાનાં છે, તેમણે કહ્યું કે રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલી રસીનો 70 ટકા ઉપયોગ બીજા ડોઝમાં થવો જોઈએ.

(12:53 am IST)