મુખ્ય સમાચાર
News of Thursday, 13th May 2021

જર્મનીમાં વેશ્યાગૃહમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટર બનાવી દેવાયું

કોરોનાના સામના માટે સમાજનો દરેક વર્ગ સંઘર્ષ કરે છે : હાયડલબર્ગમાં આવેલ એક વેશ્યાગૃહમાંના ટેસ્ટિંગ સેન્ટરનું નામ બિહીવ લવ સેન્ટર છે, ત્યાં ૨૫ મહિલાઓ કાર્યરત

બર્લિન, તા. ૧૨ : કોરોના વાયરસનો સામનો કરવા માટે સમાજનો દરેક હિસ્સો પોતપોતાની રીતે સંઘર્ષ કરી રહ્યો છે. જર્મનીમાં પણ આવું જ એક દૃશ્ય જોવા મળ્યું જ્યારે ત્યાંના એક વેશ્યાગૃહને કોરોના ટેસ્ટિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું અને ત્યાં કામ કરતી મહિલાઓ પણ સેવા માટે એક્ટિવ થઈ ગઈ છે.

દક્ષિણ પશ્ચિમી જર્મનીના હાયડલબર્ગ શહેરમાં આવેલા એક વેશ્યાગૃહને કોરોના ટેસ્ટિંગ સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ વેશ્યાગૃહનું નામ બિહીવ લવ સેન્ટર છે અને ત્યાં ૨૫ મહિલાઓ કામ કરે છે. જર્મનીના હેલ્થ વર્કર્સે તે પૈકીની કેટલીક મહિલાઓને કોરોના ટેસ્ટિંગનું પ્રશિક્ષણ આપ્યું છે.

અહીં કામ કરતી એક ૪૫ વર્ષીય મહિલા જેનીએ જણાવ્યું કે તેને પ્રોટેક્ટિવ ગાઉન, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા પડે છે. સામાન્ય રીતે તે પોતાની જાતને આટલી ઢાંકીને નથી રાખતી પરંતુ આ વાયરસના કારણે તેમણે અનેક તૈયારીઓ કરવી પડી છે અને વાયરસનું જોખમ ધ્યાનમાં રાખીને તેઓ પૂરતી સાવધાની વર્તી રહ્યા છે.

આ જગ્યાના માલિકે પ્રશાસનને ફ્રીમાં તે જગ્યાનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. ઉલ્લેખનીય છે કે, જર્મનીમાં વેક્સિનેશનની ગતિ ખૂબ જ વધારી દેવામાં આવી છે.

(12:00 am IST)