મુખ્ય સમાચાર
News of Tuesday, 14th May 2019

શ્રીલંકામાં મુસ્લિમ વિરોધી તોફાનો : દેશવ્યાપી કર્ફયુ

ખ્રિસ્તીઓની ભીડે મુસ્લિમ વેપારીઓ - મસ્જિદો ઉપર કર્યા હુમલા

કોલંબો તા. ૧૪ : શ્રીલંકામાં કેટલાક દિવસો પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે. એક તરફ કટ્ટરપંથીઓ સામે સુરક્ષાદળો તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મુસ્લિમ વિરોધી તોફાનો પણ ભડકી ગયા છે. એવામાં શ્રીલંકાની સરકારે સોમવારે સમગ્ર દેશમાં ૬ કલાક માટે રાત્રે કરફયુ લાગુ કરવાની જાહેરાત કરી છે. પોલીસે જણાવ્યું કે, રાજધાની કોલંબોની ઉત્તરમાં ઘણા જિલ્લામાં મુસ્લિમ વિરોધી તોફાનો ભડકી ગયા છે.

આ પહેલા ખ્રિસ્તીઓની ભીડે ઘણા મુસ્લિમ વેપારીઓ અને મસ્જિદો પર હુમલો કર્યો હતો, તે પછી ત્રણ જિલ્લામાં કરફયુ લાગુ કરી દેવાયો હતો. જોકે, થોડા સમય બાદ પોલીસે એક સ્ટેટમેન્ટમાં સમગ્ર દેશમં કરફયુ લાગુ કરવાની જાહેરાત કરી દીધી. ઉલ્લેખનીય છે કે, ઈસ્ટર સંડે વિસ્ફોટોમાં સ્થાનિક કટ્ટરપંથીઓ સામેલ હોવાનો આરોપ લાગ્યો છે. જોકે, આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે પણ હુમલની જવાબદારી લીધી છે.

સોમવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કુલિયાપિટિયા, હેટિપાલા, બિંગિરિયા અને ડૂમલસૂરિયામાં સવારે છ કલાકે કરફયુ હટાવી લેવાયો હતો. તેમણે કહ્યું કે, 'પરંતુ હેટિપોલામાં બપોરે સાંપ્રદાયિક હિંસા બાદ મંગળવારે સવારે ચાર કલાક સુધી કુલિયાપિટિયા, હેટિપોલા, બિંગિરિયા અને ડૂમલસૂરિયામાં કરફયુ ફરીથી લગાવી દેવાયો.' સ્થિતિ બગડતી જોયા બાદ સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવાયો.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની સરકારે દેશમાં લઘુમતી મુસ્લિમો અને બહુમતી સિંહલી સમુદાયો વચ્ચે હિંસાની ઘટનાઓ બાદ સોશ્યલ મીડિયા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ફેસબુક અને વોટ્સએપ પર પ્રતિબંધના એક દિવસ પહેલા શ્રીલંકાની પોલીસે રવિવારે દેશના પશ્ચિમ તટ પર આવેલા શહેર ચિલામાં ભીડ દ્વારા એક મસ્જિદ અને મુસ્લિમોની કેટલીક દુકાનો પર હુમલો કરાયા બાદ તાત્કાલિક પ્રભાવથી કરફયુ લગાવી દીધો હતો.

શ્રીલંકામાં ૨૧ એપ્રિલે ત્રણ ચર્ચ અને ત્રણ લકઝરી હોટલોમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૨૫૩ લોકોના મોત થઈ ગયા હતા અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. આ હુમલા બાદથી દેશમાં હિંસાની ઘટનાઓ વધી છે.

(10:15 am IST)