મુખ્ય સમાચાર
News of Tuesday, 14th May 2019

તો સની દેઓલને ચૂંટણી લડવા મંજૂરી ના આપત :સુનિલ જાખડના પિતા મારા ભાઈ જેવા હતા:ધર્મેન્દ્રનું મોટું નિવેદન

કોંગ્રેસના ઉમેદવાર સુનિલ ઝાખડ સામે સની દેઓલ લડે તે યોગ્ય લાગતું નથી

નવી દિલ્હી: બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્રએ પુત્ર સની દેઓલ લોકસભા ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્રએ કહ્યું  કે જો તેમને ખબર હોત કે ગુરુદારપુર લોકસભા બેઠક પરથી હાલના સાંસદ અને કોંગ્રેસના નેતા સુનીલ જાખડ ચૂંટણી લડી રહ્યાં છે તો તેઓ સની દેઓલને ચૂંટણી લડવાની મંજૂરી ન આપત.

 ધર્મેન્દ્રનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે લોકસભા ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ગયા છે અને હવે છેલ્લા તબક્કામાં પંજાબની તમામ 13 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. છેલ્લા તબક્કાનું મતદાન 19મી મેના રોજ છે.

  રાજસ્થાનના બીકાનેરથી ભાજપના સાંસદ રહી ચૂકેલા ધર્મેન્દ્રએ કહ્યું કે ગુરુદાસપુરના સાંસદ સુનીલ જાખડના પિતા તેમના ભાઈ જેવા હતાં. આથી તેમના પુત્ર વિરુદ્ધ સની દેઓલ ચૂંટણી લડે તે તેમને યોગ્ય લાગતું નથી. ધર્મેન્દ્રએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, "બલરામ જાખડ મારા ભાઈ જેવા હતાં. જો મને ખબર હોત કે તેમના પુત્ર સુનીલ જાખડ ગુરુદાસપુરથી ચૂંટણી લડી રહ્યાં છે તો તેઓ ક્યારેય સનીને તેમના વિરુદ્ધ ચૂંટણી લડવાની મંજૂરી ન આપત. તેમણે કહ્યું કે સની દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે, તે એક અનુભવી રાજકારણી સાથે ચર્ચા કરવા માટે સક્ષમ નથી.

  ધર્મેન્દ્રએ સુનીલ જાખડ અંગે કહ્યું કે, 'તેઓ પણ મારા પુત્ર જેવા જ છે. તેમના પિતા સાથે મારા ખુબ સારા અને મજબુત સંબંધો રહ્યા છે. સુનીલ એક સારા અને અનુભવી રાજકારણી છે. તેમના પિતા પણ અનુભવી રાજનેતા રહી ચૂક્યા છે. આવામાં સની દેઓલ તેમની સાથે ક્યારેય રાજકીય ચર્ચા કરી શકે નહી, કારણ કે તેઓ ફિલ્મી દુનિયામાંથી આવે છે. જો કે અમે અહીં કોઈ ચર્ચા કરવા આવ્યા નથી. પરંતુ અહીંના લોકોની સમસ્યાઓ સાંભળવા આવ્યાં છીએ. અમને આ જગ્યા પ્રત્યે  પ્રેમ છે, આથી અમે અહીં આવ્યાં છીએ.' ધર્મેન્દ્રએ સની દેઓલના રોડ શોમાં ઉમટેલી ભીડ પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે રોડ શોમાં સનીને મળેલા લોકોના પ્રેમથી હ્રદય ભરાઈ ગયું

(12:00 am IST)