મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

IPL -2021:સનરાઈઝર્સ હૈદરાબાદ છ રને હરાવતું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: શાહબાઝની એક ઓવરે બાજી પલ્ટી

બેંગ્લોરના 149 રનના જવાબમાં હૈદરાબાદે 9 વિકેટે 143 રન બનાવી શકી : ડેવિડ વોર્નર અને મનિષ પાંડેએ 83 રનની ભાગીદારી

આઈઈપીએલ 2021ની સિઝનની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. હૈદૈરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. બેંગ્લોર વતી ઓપનર તરીકે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે રમતની શરુઆત કરી હતી. મેક્સવેલએ અર્ધશતકીય રમત રમીને લડાયક સ્કોરના આંકડે RCBને લઈ ગયો હતો. બેંગ્લોરે 20 ઓવરના અંતે 8 વિકેટે 149 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદે 9 વિકેટે 143 રન કર્યા હતા. આ સાથે જ બેંગ્લોર સિઝનમાં તેની બીજી મેચમાં જીત નોંધાવી હતી.

 હૈદરાબાદે લક્ષ્‍યનો પીછો કરવા માટે શરુઆત કરતા જ 13 રન પર પ્રથમ વિકેટ રિદ્ધીમાન સાહાની વિકેટ ગુમાવી હતી. સાહા 9 બોલ રમીને 1 રન કરી વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યારબાદ કેપ્ટન ડેવિડ વોર્નર અને મનિષ પાંડેએ 83 રનની ભાગીદારી રમત રમીને ટીમને જીત તરફ આગળ વધારી હતી. ડેવિડ વોર્નરે 37 બોલમાં 54 રનની ઈનીંગ રમી હતી. તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે રમત રમી હતી. મનિષ પાંડેએ 39 બોલમાં 38 રનની કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

જો કે ડેવિડ વોર્નરના આઉટ થવા બાદ હૈદરાબાદ એક બાદ એક વિકેટો ગુમાવવા લાગતા આસાન જીત હારમાં પલટાઈ ગઈ હતી. 17મી ઓવરમાં હૈદરાબાદે જોની બેયરીસ્ટો, મનીષ પાંડે અને અબ્દુલ સમદની ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. જે ઓવરે હૈદરાબાદના હાથમાંથી મેચ સરકાવી દીધી હતી. રાશિદ ખાને 9 બોલમાં 18 રન કર્યા હતા.

બેંગ્લોર વતીથી શાહબાઝ અહમદે જબરદસ્ત બોલીંગ કરીને હૈદરાબાદના પક્ષમાં રહેલી મેચને બેંગ્લોરના પક્ષમાં એક જ ઓવરમાં લાવી દીધી હતી. શાહબાઝે તેની બીજી અને ઈનીંગની 17મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપતા જ મેચનું પાસુ પલટાઈ ગયુ હતુ. મહંમદ સિરાજ અને કાયલ જેમીસને એક એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 29 રન આપ્યા હતા, પરંતુ એક પણ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો નહોતો. હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી. મંહમદ સિરાજે 4 ઓવરમાં એક મેઈડન ઓવર કરીને 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

વિરાટ સેના આજે જાણે કે ધીમી પડી ગઈ હતી. જોકે અંતમાં મેક્સવેલે બાજી સંભાળતી રમત રમી હતી. તેણે આક્રમકતા અપનાવી લડાયક સ્કોર સુધી ટીમને પહોંચાડવા સફળ પ્રયાસ કરી અર્ધ શતક લગાવ્યુ હતુ. તેણે 3 છગ્ગા સાથે 41 બોલમાં 59 રનની ઈનીંગ રમી હતી. કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને પરત ફરેલા ઓપનર દેવદત્ત પડીક્કલ પણ ખાસ કંઈ રમત દર્શાવી શક્યો નહોતો. તેણે 13 બોલમાં 11 રન કરીને વિકેટ ગુમાવી હતી.

તે ત્રીજી ઓવરમાં જ ટીમના 19 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટના રુપે પરત ફર્યો હતો. વિરાટ કોહલી 29 બોલમાં 33 રન બનાવી શક્યો હતો. તેને હોલ્ડરે કેચ આઉટ કરાવ્યો હતો. વન ડાઉન રમતમાં આવેલ શાહબાઝ અહેમદ પણ 10 બોલમાં 14 રન કરીને નદીમનો શિકાર થયો હતો. આમ 47 રન પર 2 વિકેટ RCBએ ગુમાવી હતી. જોકે બાદમાં આવેલા ગ્લેન મેક્સવેલે બાજી સંભાળવા પ્રયાસ કર્યો હતો.

એબી ડી વિલિયર્સ 5 બોલ રમીને માત્ર એક જ રન બનાવવામાં સફળ રહ્યો હતો. વોશિંગ્ટન સુંદર 11 બોલમાં 8 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. ડેનિયલ ક્રિશ્વન પ્રથમ બોલ રમતા જ કેચ આપી બેઠો હતો. તેણે તેના કેચને લઈને DRSનો ઉપયોગ કર્યો હતો. આમ 16.4 ઓવરમાં 106 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. કાયલ જેમિસને 9 બોલમાં 12 અને હર્ષલ પટેલ અંતમાં અણનમ રહ્યો હતો.

રાશિદ ખાને બોલીંગ પ્રદર્શન સારુ કર્યુ હતુ, તેણે કરકસર ભરી બોલીંગ કરી 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ પણ ઝડપી હતી. તેણે ડિવિલીયર્સ અને વોશિંગ્ટનની વિકેટ ઝડપી હતી. મેચમાં પ્રથમ વિકેટની સફળતા ભુવનેશ્વરે અપાવી હતી. તેણે 4 ઓવર કરીને 30 રન આપ્યા હતા. તેણે એક જ વિકેટ ઝડપી હતી. શાહબાઝ નદિમે 4 ઓવરમાં 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે 4 ઓવર કરીને 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ટી નટરાજને 4 ઓવરમાં 32 રન આપ્યા હતા અને એક વિકેટ મેળવી હતી.

(11:54 pm IST)