મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

પૂણેમાં ૨૨ બેડની હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર જબ્બે

કોરોના કાળમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં : આરોપીએ કોરોનાના દર્દીઓ માટે એક અલગ વોર્ડ પણ રાખ્યો હતો જેમાં દર્દીઓની સારવાર કરાઈ રહી હતી

નવી દિલ્હી, તા. ૧૪ : પુણેના શિરૂર ખાતેથી એક ખૂબ જ ચોંકાવી દેનારી ઘટના સામે આવી છે. શિરૂરમાં એક કમ્પાઉન્ડર નકલી ડોક્ટર બનીને છેલ્લા બે વર્ષથી ૨૨ બેડની એક હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ કોરોનાના દર્દીઓ માટે એક અલગ વોર્ડ પણ બનાવી રાખ્યો હતો જેમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી.

પોલીસના કહેવા પ્રમાણે આરોપી ડોક્ટર નકલી ડિગ્રી અને ખોટા નામે હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. આરોપીએ હોસ્પિટલ ચલાવવા માટે એક વ્યક્તિ સાથે પાર્ટનરશિપ કરી હતી. બંને વચ્ચે પૈસાનો વિવાદ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો.

પોલીસે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી હતી જેમાં સત્ય બહાર આવ્યું હતું. આરોપીનું નામ મેહબૂબ શેખ છે અને તે ડોક્ટર મહેશ પાટિલના નામની નકલી ડિગ્રી સાથે મૌર્યા હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. પોલીસે નાંદેડના રહેવાસી આરોપીને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.

આરોપી પહેલા નાંદેડની એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનું કામ કરતો હતો. તે સમયે તેને પોતે પણ ડોક્ટરનું કામ કરી શકે છે તેમ લાગતા બોગસ હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો જેમાં તેણે એક પાર્ટનર શોધી લીધો હતો. પરંતુ બંને વચ્ચે પૈસાને લઈ વિવાદ થતા સમગ્ર કૌભાંડ ખુલ્લુ પડી ગયું હતું.

આરોપી વિરૂદ્ધ છેતરપિંડી અને મહારાષ્ટ્ર વૈધકીય અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે અને તેણે નકલી સર્ટિફિકેટ, આધારકાર્ડ અને હોસ્પિટલ ચલાવવાના કાગળો ક્યાં બનાવડાવ્યા તેની તપાસ ચાલુ છે.

(7:59 pm IST)