મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

આલેલે... MSME બોર્ડનું 'ભગવાકરણ' થઇ ગયું

બોર્ડમાં ભાજપીઓને લઇ લેવાયા : સંઘ સાથે જોડાયેલાઓને પણ પદ

નવી દિલ્હી તા. ૧૪ : હાલમાં જ જાહેર કરાયેલ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ બોર્ડના ૪૬ સભ્યોની યાદીમાં મોટાભાગના આરએસએસ અને બીજેપી સાથે સંકળાયેલા લોકોને સ્થાન અપાયાની વાત જાહેર થઇ છે. આ બોર્ડ નીતિ નિર્ધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. આ બોર્ડમાં ૨૬ ઓફીશ્યલ સભ્યો હોય છે અને બાકીના ૨૦ ઉદ્યોગજગતનું પ્રતિનિધિત્વ કરે છે. નવા લીસ્ટમાં ભાજપાના ઘણા હોદ્દેદારો, પક્ષના ભૂતપૂર્વ ધારાસભ્યો અને આરએસએસ સાથે સંકળાયેલા સભ્યો સામેલ છે.

લીસ્ટની તપાસમાં જાણવા મળ્યું કે, આ લીસ્ટમાં એક વર્તમાન ભાપા ધારાસભ્ય, ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્યો, ઝારખંડમાં ભાજપાના સહયોગી પક્ષ આજસૂના એક ભૂતપૂર્વ ધારાસભ્યને તેમાં સ્થાન અપાયું છે. ભાજપના છ હોદ્દેદારો અને લઘુઉદ્યોગ ભારતી (એલયુબી)ના છ સભ્યોના નામ પણ આ લીસ્ટમાં છે. ફિક્કીના બે ભૂતપૂર્વ સભ્યોને બોર્ડમાં રાખવામાં આવ્યા છે અને એક અન્ય સભ્ય ગુજરાતના છે. લીસ્ટમાં જે નામોને રાજકારણ સાથે સીધો સંબંધ છે તેમાં મુખ્યનામ કુંદનકુમારનું છે જે બિહારના ભાજપા ધારાસભ્ય છે.

યશવીર ડાંગર ૨૦૧૪માં હરિયાણામાં ભાજપાના ઉમેદવાર રહી ચૂકયા છે. પ્રવિણ કેશરી મીશ્રા ૨૦૦૯માં ઓરીસ્સામાં કટકના ભાજપા ઉમેદવાર હતા. ટીના શર્મા દિલ્હીમાં ભાજપાના પ્રવકતા છે. આ ઉપરાંત રશ્મિ મીશ્રા ભાજપા પૂર્વાંચલ મોરચો, રોબિન બ્લેકેઇ, મણીપુર ભાજપા કોષાધ્યક્ષ, રાકેશ ગુપ્તા રાજ્ય કાર્યકારી સભ્ય પંજાબ, પ્રદિપ પેશકાર પ્રદેશ અધ્યક્ષ ભાજપા ઉદ્યોગ આઘાડી મહારાષ્ટ્રના નામો પણ સામેલ છે.

વડોદરા ખાતેની પી-મેટ હાઇટેકના ડાયરેકટર હેમલબેન મહેતા જે ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ રહી ચૂકયા છે અને ગુજરાતમાં ભાજપાના રાજ્ય સચિવ અમિત ઠાકરના પત્ની છે.

એમએસએસઇ મંત્રાલય પાસેથી જ્યારે ઇમેલ દ્વારા આ અંગે પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરાયો તો મંત્રાલય તરફથી કોઇ જવાબ નથી મળ્યો.

(12:42 pm IST)