મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

વીએચપી નેતા પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈને મળવા સમય માંગ્યો :પત્રમાં જુના સંસ્મરણોની યાદ અપાવી

ઘણા લાંબા સમયથી આપણા બે વચ્ચે દિલથી સંવાદ નથી થયો:અમારા ઘર, ઓફિસમાં તમારું આવવું, સાથે ભોજન, ચાની ચુસ્કી લેતા હસવાનું… મને વિશ્વાસ છે તમે કશુ નહીં ભૂલ્યા હોય.’

અમદાવાદ :વીએચપી નેતા પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને મળવા માટે સમય માંગ્યો છે પત્રમાં તોગડિયાએ જુના સંસ્મરણોની યાદ અપાવી કેટલાક ભાવુક ઉલ્લેખ કર્યા છે પત્રને પ્રવીણ તોગડિયા તરફથી દોસ્તીની નવી શરૂઆત માનવામાં આવી રહ્યો છે. પત્રમાં તોગડિયાએ લખ્યું છે કે, ‘ઘણા લાંબા સમયથી આપણા બે વચ્ચે દિલથી સંવાદ નથી થયો, જે 1972થી 2005 સુધી થતું રહ્યું હતું. સમય-સમય પર દેશના, ગુજરાતના અને તમારા જીવનમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા, તેના પર આપણે બંનેએ સાથે રહીને ઘણું કામ કર્યું. અમારા ઘર, ઓફિસમાં તમારું આવવું, સાથે ભોજન, ચાની ચુસ્કી લેતા હસવાનુંમને વિશ્વાસ છે તમે કશુ નહીં ભૂલ્યા હોય.’

  પત્રમાં તોગડિયાએ મોદીને યાદ અપાવ્યું કે કેવી રીતે બંનેએ લાંબો સમય સાથે વિતાવ્યો હતો. પત્રમાં લખ્યું છે કે, ‘મિત્રતા અને મોટા ભાઈ હોવાના સંબંધે આપણી ઘણા વિષયો પર ખુલીને ચર્ચા થતી હતી, એકબીજા સાથે, એકબીજા માટે ઊભા રહેતા હતા. જે 2002થી ઓછું થતું ગયું, જ્યારે હજારો હિન્દુ ગુજરાત જેલમાં મોકલવામાં આવ્યા અને 300 જેટલા હિન્દુએ ગુજરાત પોલીસની ગોળીઓથી માર્યા ગયા.’

  પત્રમાં ઘણા મુદ્દાઓ પર કટાક્ષ કરાયો છે. તોગડિયાએ લખ્યું કે, ‘વિકાસ માટે હિન્દુઓને અપમાનિત કરવાની જરૂર નથી. બંને સાથે સાથે ચાલી શકે છે, પરંતુ વાતચીત થવી જોઈએ. ગૌરક્ષકોને ગુંડા કહેવા, મંદિર પહેલા શૌચાલય જેવા નિવેદનો, કશ્મીરમાં સેના પર હત્યાનો કેસ અને જેહાદી પત્થરબાજો પર કેસ પાછા લેવા, સરહદ પર જવાન અને ખેતરમાં ખેડૂતનું મૃત્યું, અચાનક બદલાયેલી આર્થિક નીતિઓથી હજારોનું બેરોજગાર થવું, કોઈ વિકાસ નથી.’

   તોગડિયાએ લખ્યું કે દેશભરમાં તેની પ્રતિક્રિયા આવી રહી છે અને લોકોનો અવાજ સરકાર દબાવી રહી છે. પત્ર મુજબ, 3 વર્ષથી વધારે સમય જનતાએ રાહ જોઈ હવે તેમનું ધૈર્ય જવાબ આપી રહ્યું છે. મોટી-મોટી જાહેરાતોથી, વિદેશી એજન્સીઓની જાહેરાતથી અને ઉત્સવોથી, હવે વ્યક્તિગત ઈમેજ બની શકે છે, પરંતુ દેશ અને જનતા પરેશાન થઈ ચૂકી છે.

  પત્રમાં લખ્યું છે કે, હજું પણ સમય છે સાથે બેસીને ચર્ચા કરીને આપણે આખા દેશને હિન્દુત્વ વિકાસના રસ્તા પર આગળ લઈ જઈ શકીએ છીએ. સૌનો સાથ-સૌનો વિકાસ કહેતા કહેતા જે રસ્તાઓ પરથી પસાર થયા તે રસ્તાનો તોડાવીને કશું મળશે નહીં. પત્રના અંતમાં લખ્યું છે, મારા પત્રનો સરકારી જવાબ નહીં આવે, એક ભૂલો પડેલો મિત્ર ફોન ઉપાડીને વાત કરીને મળવાનો સમયે નક્કી કરશે એવી ઉમ્મિદ સાથે.

(12:07 am IST)