મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

અલ-નિનો પથારી ફેરવશે? ચોમાસું દગો દયે તેવી સંભાવના

ઓસ્ટ્રેલીયાનો ઇસ્ટર્ન ગ્રેઇન બેલ્ટ સૂકો રહેવા આગાહીઃ તેથી અલ-નિનોની પેટર્ન સર્જાવા ભયઃ ર૦૧૮ ના વર્ષ માટે અમંગળ એંધાણ : ભારતીય હવામાન ખાતું એપ્રિલ-મે માં આગાહી કરશેઃ ઓસ્ટ્રેલીયન હવામાન ખાતાની આગાહી ઉપર સહુની નજર

રાજકોટ તા. ૧૪ :.. ખેડૂતો માટે વધુ એક ચિંતાનાં સમાચાર આવી રહ્યાં છે. અમેરિકાની એક ખાનગી ક્ષેત્રની એક હવામાન એજન્સીએ ભારતીય ચોમાસા વિશે નબળી આગાહી કરી છે અને જણાવ્યું છે કે ર૦૧૮ નાં બીજા છ માસિક ગાળા દરમિયાન ઓસ્ટ્રેલીયાનાં ઇસ્ટર્ન ગ્રેઇન બેલ્ટ સુકો રહેશે અને અલ-નિનોની પેટર્ન ઊભી થાય તેવી સંભાવના છે, જેને પગલે ભારતીય ર૦૧૮ નું ચોમાસું સામાન્યથી નબળું રહે તેવી સંભાવના છે.

રેડીયન સોલ્યુશન્સ નામની હવામાન એજન્સીનાં સીનીયર કૃષિ હવામાન શાસ્ત્રી કાયલે ટેપલીએ જણાવ્યું હતું કે આર્જેન્ટિનામાં હાલ દુષ્કાળની  સ્થિતિ છે. ત્યાં આગામી બે સપ્તાહમાં વરસાદ આવીશકે છે, પરંતુ જે સોયાબીનનાં પાકને બચાવવા માટે મોટો વરસાદ છે.

વિશ્વમાં લા-નિનાની સ્થિતિ નબળી પડી રહી છે અને હવામાન ન્યુટ્રલે સીસ્ટમ ઊભી થશે અને બીજા છ માસિક ગાળામાં અલ-નિનીની સ્થિતિ ઊભી થવાની ધારણા છે.

અલ-નિનોની સ્થિતિમાં રહે છે, જયારે સાઉથ અમેરિકાનાં દેશોમાં સામાન્યથી વધુ વરસાદ પડે છે. બીજી એક ખાનગી એજન્સીએ પણ વર્ષનાં અંતિમ ભાગમાં અલ-નિનોની પેટર્ન ઊભી થવાની આગાહી કરી છે.

દેશમાં ગત વર્ષ દરમિયાન પણ સામાન્યથી ઓછો વરસાદ  પડયો હતો અને જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ ૯પ ટકા વરસાદ પડયો હતો. ભારતીય હવામાન ખાતાએ ૯૮ ટકા વરસાદ પડવાની આગાહી કરી હતી.

એજન્સીએ જણાવ્યું હતુંકે ભારતમાં ચોમાસું નબળું રહેવાને કારણે સોયાબીન, મગફળી, કપાસ સહિતનાં પાકોને અસર થાય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ગત વર્ષે ચોમાસું નબળું ગયા બાદ ચાલુ વર્ષે પણ ચોમાસું નબળું જશે તો દેશનાં જીડીપી ગ્રોથનાં ઊંચા લક્ષ્યાંકને પાર પાડવામાં મોદી સરકારને મુશ્કેલીઓ આવશે. ખાસ કરીને હાલ ખેડૂતોની બમણી આવકનો લક્ષ્યાંક સરકારે નકકી કર્યો છે. એવા સમયે કુદરત જો રિજાશે તો  આવકમાં ઘટાડો પણ થશે. અને તેની મોટી અસર દેશની ઇકોનોમી ઉપર પણ જોવા મળી શકે છે.

અમેરિકાની ખાનગી હવામાન એજન્સી બાદ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલીયાની એજન્સી શું આગાહી કરે છે તેના ઉપર સૌની નજર છે. ભારતીય હવામાન ખાતું એપ્રિલ-મે મહિનામાં ચોમાસાની આગાહી કરે છે. પરિણામે ચોમાસું સાવ નબળુ જ  જશે  તેનો ચિતાર અત્યારથી આપવો હજી વહેલોગણાશે.

(11:50 am IST)