મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

ડોન દાઉદને પાકિસ્તાનમાં પુરતી સુરક્ષા મળી રહી છે

સેફ હાઉસની સુરક્ષામાં પાકિસ્તાની જવાનો તૈનાત : દુબઈથી હાલમાં ભારત લાવવામાં આવેલા દાઉદના સાથી ટકલાએ પુછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો આપી

મુંબઈ, તા. ૧૩ : વર્ષ ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટની ૨૫મી વરસી શાંતિપૂર્ણરીતે પસાર થઇ છે ત્યારે ડોન દાઉદને લઇને હજુ પણ ચર્ચા છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર એમએનસિંહે કહ્યું છે કે, તેમને લાગે છે કે, પાકિસ્તાન માટે દાઉદ ઇબ્રાહિમ હવે કોઇ કામનો રહ્યો નથી પરંતુ દુબઈથી ગયા સપ્તાહમાં ફારુક ટકલાને લાવવામાં આવ્યા બાદ કેટલીક વિગતો સપાટી ઉપર આવી છે. ટકલાએ પાકિસ્તાન અને દાઉદના સંબંધોના સંદર્ભમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફારુકે સીબીઆઈને હાલમાં ૯૩ના બોંબ બ્લાસ્ટમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ વિગતો પુરી પાડી છે. ફારુક ટકલાને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ ગુટખા કાંડમાં સીબીઆઈ તેની કસ્ટડી લેશે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ ૧૯૯૨ના કેજેજે શૂટઆઉટમાં તેની કસ્ટડીની માંગ કરી શકે છે જેમાં તે ૧૬ નંબરનો આરોપી રહેલો છે. વિશ્વસનીય સુત્રોના કહેવા મુજબ ફારુકે પુછપરછ દરમિયાન કહ્યું છે કે, દાઉદ હવે સ્થાયી રીતે પાકિસ્તાનમાં રહેવા લાગી ગયો છે. દાઉદને પાકિસ્તાનમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા મળી રહી છે. સેફ હાઉસની સુરક્ષામાં પાકિસ્તાનના જવાનો લાગેલા છે. એક સમયે તે નિયમિતરીતે પાકિસ્તાન અને દુબઈ વચ્ચે અવરજવર કરતો હતો તે વખતે દાઉદના દરિયાઇ અને વિમાની રસ્તાથી દુબઈ પહોંચ્યા બાદ તેને રિસીવ કરવાનું કામ ફારુક ટકલા પોતે કરતો હતો. સુત્રોનું કહેવું છે કે, ફારુકે પુછપરછ દરમિયાન એમ પણ કહ્યું છે કે, દોઢ દશક પહેલા પાકિસ્તાનમાં લોકલ ગુંડાઓએ દાઉદને મારી નાંખવા માટેની સોપારી લીધી હતી અને એ ટાપુ સુધી પહોંચી ગયા હતા. જ્યાં તેને સેફહાઉસમાં રાખવામાં આવ્યો હતો પરંતુ પાકિસ્તાની આર્મીના લોકોએ દાઉદને બચાવી લીધો હતો. આ ઉપરાંત છોટા રાજનના લોકોએ પણ દાઉદને મારી નાંખવા માટે અનેક વખત પ્રયાસો કર્યા હતા. રાજનના માણસ ફરીદ તનાશા આ સંબંધમાં અનેક વખત પાકિસ્તાનમાં પહોંચ્યો હતો. થોડાક વર્ષ પહેલા ફરીદની મુંબઈના તિલકનગર વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી હતી. ફારુક ટકલાએ કહ્યું છે કે, દાઉદ હમેશા કરાંચીના ક્લિફટન વિસ્તારમાં રહે છે પરંતુ જ્યારે પણ કોઇ આંતરરાષ્ટ્રીય લીડર પાકિસ્તાનમાં આવે છે ત્યારે દાઉદને ક્લિફ્ટન એરિયાથી દૂર અંડા ગ્રુપ ઓફ આઇલેન્ડ પર બનાવવામાં આવેલા સેફ હાઉસમાં લઇ જવામાં આવે છે. જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર દાઉદના ક્લિફ્ટન એરિયામાં હોવાની વાત કરે છે ત્યારે દાઉદને અહીંથી થોડાક સમય માટે ખસેડી લેવામાં આવે છે. ક્લિફ્ટન એરિયાના આવાસમાં પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ પણ દાઉદને સુરક્ષા આપી રહ્યા છે.

(12:00 am IST)