મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

બ્રિટનમાં સેલિસ્બરી હૂમલા માટે રશિયા જવાબદાર હોવાનું શંકા વ્‍યકત કરતા વડાપ્રધાન થેરેસા મેઃ રશિયાના રાજદુત પાસે સ્‍પષ્‍ટતા પણ મંગાઇ

બ્રિટનઃ બ્રિટનના સેલિસ્બરી હૂમલા માટે રશિયન સરકાર જવાબદાર હોવાની શક્યતા વધુ છે તેમ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાંસદોને જણાવ્યું હતું.

પૂર્વ રશિયન જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેમના દીકરીને ઝેર આપવાના મામલે બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેએ સાંસદોને કહ્યું છે કે જે પ્રકારના નર્વ એજન્ટ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, તે સૈન્ય ગ્રેડ તેમજ રશિયા દ્વારા નિર્મિત હતા.

વડાંપ્રધાને કહ્યું છે કે સરકાર એ નિષ્કર્ષ પર પહોંચી છે કે સેલિસ્બરી હુમલા માટે રશિયાના જવાબદાર હોવાની શક્યતા વધારે છે.

વિદેશ કાર્યાલયે પણ રશિયાના રાજદૂત પાસે આ મામલે સ્પષ્ટતા માગી છે.

વડાંપ્રધાને કહ્યું છે કે મંગળવારના અંત સુધી જો વિશ્વસનીય પ્રતિક્રિયા નથી મળતી, તો બ્રિટન આ ઘટનાને રશિયા દ્વારા શક્તિના ગેરકાયદેસર પ્રયોગ તરીકે માનશે.

તેમણે આગળ જાણકારી આપી કે આ હુમલામાં જે રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નર્વ એજન્ટનું સ્વરૂપ છે, જેને નોવિચોક નામે ઓળખવામાં આવે છે.

થેરેસા મેએ સ્પષ્ટપણે કહ્યું, "આ રશિયન રાષ્ટ્ર દ્વારા અમારા દેશ પર સીધો હુમલો છે અથવા તો રશિયન સરકાર નર્વ એજન્ટ પર નિયંત્રણ ગુમાવી ચૂકી છે અને તેણે તેને બીજા લોકોના હાથોમાં જવાની અનુમતિ આપી છે."

તેમણે કહ્યું કે વિદેશ સચિવ બોરિસ જૉનસને રશિયાના રાજદૂતને નોવિચોક કાર્યક્રમની સમગ્ર જાણકારી રાસાયણિક શસ્ત્ર નિષેધ સંગઠનને આપવા કહ્યું છે.

થેરેસા મેએ કહ્યું કે બ્રિટને વધારે વ્યાપક ઉપાયો માટે તૈયાર રહેવું જોઈએ.

66 વર્ષના રિટાયર્ડ સૈન્ય ગુપ્તચર અધિકારી સ્ક્રિપલ અને તેમના 33 વર્ષીય દીકરી સેલિસ્બરી સિટી સેન્ટરમાં એક બેન્ચ પર અચેત અવસ્થામાં મળી આવ્યા હતા. હજુ પણ તેમની હાલત ગંભીર છે.

નોવિચોકને રશિયન ભાષામાં 'નવાગંતુક' કહેવામાં આવે છે. આ એ નર્વ એજન્ટોનું સમૂહનો ભાગ છે જેને સોવિયત રાષ્ટ્રએ 1970થી 1980 વચ્ચે ગુપ્ત રીતે વિકસિત કર્યું હતું.

તેમાં ઉપયોગમાં લેવાતું એક રસાયણ એ-230 કહેવાય છે જે કથિત રૂપે વીએક્સ નર્વ એજન્ટથી પાંચથી આઠ ગણા વધારે ઝેરી હોય છે.

તેની મદદથી કોઈ વ્યક્તિને થોડી મિનિટોમાં જ મારી નાખી શકાય છે.

આ રસાયણના ઘણાં પ્રકાર બનાવવામાં આવે છે અને તેમાંથી કથિત રૂપે એકને રશિયન સેનાએ રાસાયણિક હથિયારોના રૂપમાં પરવાનગી આપી છે.

તેમાંથી કેટલાક નર્વ એજન્ટ પ્રવાહી પદાર્થમાં હોય છે. તો કેટલાક લોકોનું માનવું છે કે તે ઘન પદાર્થના રૂપમાં પણ હોય છે.

કેટલાક નર્વ એજન્ટ એટલા ખતરનાક હોય છે કે જો તેમને ભેળવી દેવામાં આવે તો તે વધારે ઝેરીલા એજન્ટને નિર્મિત કરી નાખે છે.

બ્રિટનનાં વડાંપ્રધાનનાં આ આરોપો બાદ રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું છે કે મેનું નિવેદન બ્રિટીશ સંસદમાં એક સર્કસના કાર્યક્રમ જેવું છે.

તેમણે કહ્યું છે કે ઉશ્કેરણી માટે આ એક રાજકીય અભિયાન છે.

રશિયાના વિદેશ મંત્રાલયે થેરેસા મેના નિવેદનને એક પ્રકારની પરીકથા ગણાવ્યું છે. પરંતુ યૂરોપીય સંઘ અને અમેરિકાએ બ્રિટનનો પક્ષ લીધો છે.

અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઇટ હાઉસે હુમલાની નિંદા કરી છે. જ્યારે યૂરોપીય સંઘના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રાંસ ટિમરમૈન્સએ આ અવસર પર બ્રિટન સાથે એકજૂથતા દર્શાવી છે.

સર્ગેઈ સ્ક્રિપલ રશિયાની સેનામાં મિલિટ્રી ઇન્ટેલિજન્સમાં કર્નલ હતા. તેમની પાસે એવું પદ હતું જેના પર પહોંચવાં માટે નવયુવાનો સપનું જોતા હતા.

પરંતુ રશિયન એજન્ટ બાદ સર્ગેઈ સ્ક્રિપલ જે વાત માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા, તે વાત જાસૂસી અને ગદ્દારી સાથે જોડાયેલી હતી.

સર્ગેઈ સ્ક્રિપલને વર્ષ 2006માં બ્રિટન માટે જાસૂસી કરવાના આરોપ હેઠળ 13 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

રશિયાએ દાવો કર્યો હતો કે એમઆઈ-16એ સર્ગેઈ સ્ક્રિપલને જાસૂસી માટે એક લાખ ડોલર આપ્યા હતા. આ જાણકારી સર્ગેઈ વર્ષ 1990થી MI-16ને પહોંચાડી રહ્યા હતા.

વર્ષ 2010માં સ્ક્રિપલને જાસૂસોની અદલા-બદલી અંતર્ગત બ્રિટનમાં શરણું મળ્યું હતું.

33 વર્ષીય એક મહિલા સાથે સર્ગેઈ સ્ક્રિપલ જે શૉપિંગ સેન્ટરની પાસે વિચિત્ર હરકત કરતા અચેત હાલતમાં મળી આવ્યા હતા, ત્યાં હાજર લોકોએ તેની જાણકારી પોલીસને આપી હતી.

ઘટનાસ્થળ પર હાજર સાક્ષીઓ પાસેથી મળેલી જાણકારી બાદ એ વાતની શંકા હતી કે ક્યાંક આ બન્નેને ઝેર તો આપી દેવામાં આવ્યું નથી ને?

બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જણાવવામાં આવ્યું કે બન્ને કોઈ અજ્ઞાત પદાર્થના સંપર્કમાં આવવાથી ગંભીર રૂપે બીમાર થયા છે.

બન્નેના શરીર પર કોઈ પ્રકારના ઘાના નિશાન પણ મળી આવ્યા નથી.

(5:47 pm IST)