મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

કાશ્મીરની લોખંડી જેલમાં ગાબડા? ઢગલાબંધ મોબાઇલો-સીમ-પેન ડ્રાઇવનો જથ્થો જપ્ત

હિઝબુલ મુજાહિદ્દીનનું એક પોસ્ટર પણ મળ્યું: ડ્રોનની મદદ લેવામાં આવીઃ એનઆઇએની ટીમ ત્રાટકીઃ પાકિસ્તાની ધ્વજ પણ કબ્જે લીધો : NIA ની ટીમે આ ઝડપી લીધી : 1 પાકિસ્તાની ધ્વજ પણ જપ્ત કરવામાં આવ્યો

શ્રીનગર તા. ૧૩ :. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) ની ટીમે ગઇકાલે શ્રીનગરની સેન્ટ્રલ જેલની ઝડતી લઇને બે ડઝનથી વધુ મોબાઇલ ફોન, જેહાદી સાહિત્ય, ડીજીટલ કાર્ડસ અને એક પાકિસ્તાની ધ્વજ જપ્ત કર્યો હતાં.

એનઆઇએ ની વીસ ટીમે આ ઝડતી લીધી હતી. તેમની સાથે નેશનલ સીકયોરીટી ગાર્ડસ (એનએસજી)ના કમાન્ડો પણ હતાં. ઝડતીની કાર્યવાહી દરમ્યાન ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી. એનઆઇએની ટીમે હાઇ સીકયોરીટી જેલની બેરેકસ અને ઓપન ગ્રાઉન્ડની તપાસ કરી હતી. આ જેલમાં અમુક ખૂનખાર કેદીઓને રાખવામાં આવ્યા છે. એમાંના અમુક પાકિસ્તાની છે.

તાજેતરમાં બે યુવકોને પકડવામાં આવેલા અને તેમણે જે માહિતી આપેલી ત્યારબાદ આ જેલની ગઇકાલે ઝડપી લેવામાં આવી હતી. ઝડતીની કાર્યવાહી સવારે શરૂ થઇ હતી અને બપોરે મોડે સુધી ચાલી હતી. તમામ કોઠડીઓની ટ્રેઇન્ડ ટીમ અને ડીપ  સર્ચ મેટલ ડીટેકટર્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઝડતીની આખી કાર્યવાહી પર ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી હતી. એનઆઇએની ટીમ સાથે મેજીસ્ટ્રેટસ, વિટનેસિસ અને ડોકટરો પણ હતાં.ઝડતી દરમ્યાન પચીસ મોબાઇલ ફોન, અમુક સિમકાર્ડસ, પાંચ સિકયોર ડીજીટલ કાર્ડસ, પાંચ પેન ડ્રાઇવ, એક આઇપોડ, અને અન્ય સામગ્રી તથા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતાં. હિઝબુલ મુજાહિદીનનું એક પોસ્ટર અને એક પાકિસ્તાની ધ્વજ પણ બરામદ કરવામાં આવ્યા હતાં.એનઆઇએ ની ટીમ આ જેલનો ખતરનાક કેદી પોલીસ-કસ્ટડીમાંથી કેવી રીતે ફરાર થયો એની પણ તપાસ કરી રહી છે. તેના ફરાર થવાનો પ્લાન આ જેલમાં તૈયાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

(11:34 am IST)