મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

ડુંગળીની કિંમતમાં વધારો થતાં હોલસેલ ફુગાવો ૩.૧

ડબલ્યુપીઆઈ ફુગાવો જાન્યુઆરી મહિનામાં વધ્યો : રિટેલ ફુગાવો છ વર્ષની ઉંચી સપાટી પર પહોંચ્યા બાદ હોલસેલ ફુગાવામાં વધારો : બટાકામાં ૩૭ ટકા વધારો

નવી દિલ્હી, તા. ૧૪ : હોલસેલ કિંમતો પર આધારિત ડબલ્યુપીઆઈ ફુગાવાનો દર જાન્યુઆરી ૨૦૨૦માં ૩.૧ ટકા થયો છે. જે ગયા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં ૨.૫૯ ટકા હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો જાન્યુઆરી મહિનામાં વધીને ૩.૧ ટકા થયો છે. ડુંગળી અને બટાકા જેવી જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. એક વર્ષ પહેલા આ મહિનામાં જ ૨.૭૬ ટકા સુધીનો આંકડો રહ્યો હતો. માસિક આધાર પર હોલસેલ ઇન્ડેક્સ પર આધારિત વાર્ષિક ફુગાવો એક વર્ષ પહેલા આજ મહિનામાં ૨.૭૬ ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, આ ગાળા દરમિયાન બિનખાદ્ય વસ્તુઓની કિંમતમાં વધારો ડિસેમ્બરના ૨.૩૨ ટકાથી આશરે ત્રણ ગણો વધીને ૭.૮ ટકા થઇ ગયો છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં શાકભાજીની કિંમતો ૫૨.૭૨ ટકા વદી છે જેમાં સૌથી વધારે યોગદાન ડુંગળીનું રહ્યું છે.

         આ ગાળા દરમિયાન ડુંગળીની કિંમતમાં ૨૯૩ ટકાનો વધારો થયો છે જ્યારે બટાકાની કિંમતમાં ૩૭.૩૪ ટકાનો વધારો થયો છે. માસિક આધાર પર હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો વાર્ષિક દર આ મહિનામાં ૩.૧ ટકા રહ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં સીપીઆઈ પર આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા.  જાન્યુઆરી મહિનામાં છ વર્ષની ઉંચી સપાટી તેમાં જોવા મળી હતી. ૭.૫૯ ટકા સુધી આ પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શાકભાજી, કઠોર અને પ્રોટીન આધારિત ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારના કારણે સીપીઆઈ ફુગાવામાં વધારો થયો હતો. ૧૨મી ફેબ્રુઆરીના દિવસે એનએસઓ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં ફુગાવાનો આંકડો આરબીઆઈના મધ્યમ અવધિના ચાર ટકાના ટાર્ગેટ કરતા વધારે રહ્યો હતો. સતત ચોથા મહિનામાં ફુગાવાનો આંકડો આરબીઆઈના આંકડા કરતા ઉચો રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં ઈન્ડ્રસ્ટ્રીય ઉત્પાદનનો આંકડો ૦.૩ ટકા ઘટી ગયો હતો. ગયા વર્ષે આ મહિનામાં ૨.૫ ટકાનો ગ્રોથ રહ્યો હતો. જેની સામે આ મહિનામાં ૦.૩ ટકાનો ઘટાડો થયો હતો. રિટેલ ફુગાવો ડિસેમ્બર ૨૦૧૯માં ૭.૩૫ ટકા હતો. જ્યારે જાન્યુઆરી ૨૦૧૯માં આ રેટ ૨.૦૫ ટકા હતો.

(8:01 pm IST)