મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

બેંગલુરુના મલ્ટિપ્લેકસને રૂ.૨૦ની પાણીની બોટલ રૂ.૪૦માં વેચવી ભારે પડી!

બેંગલુરુ, તા.૧૪:  કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક મલ્ટિપ્લેકસને ૨૦ રુપિયાની પાણીની બોટલના ૪૦ રુપિયા લેવા બદલ સજા મળી છે. ઓમ હેગડે નામની એક વ્યકિતએ આ મામલે કન્ઝયુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.

બેંગલુરુના રોયલ મીનાક્ષી મોલમાં અડધા લિટર પાણીની બોટલના ૪૦ રુપિયા માંગવામાં આવ્યા હતા. આનો ભોગ બનેલા શ્રીનગર વિસ્તારમાં રહેતા ઓમ હેગડે ઉરાટોટા નામના વ્યકિતએ મલ્ટિપ્લેકસ વિરુદ્ઘ કન્ઝયુમર ફોરમમાં ફરિયાદ કરી હતી. પાણીની બોટલના ૨૦ના બદલે ૪૦ રુપિયા એટલે કે ૨૦ રુપિયા વધારે લેવા મામલે તેમણે વિરોધ નોંધાવીને મેનેજરને નોટિસ મોકલીને વધારાના પૈસા પાછા આપવા માંગ કરી હતી. મલ્ટિપ્લેકસના મેનેજરે ઓમની નોટિસનો કોઈ જવાબ ન આપતા આખરે તેમણે કન્ઝયુમર ફોરમનો સહારો લીધો હતો.

આ મામલે ફોરમે બંને પક્ષની વાત કાને ધરી હતી અને બચાવ પક્ષના વકીલે અડધા લિટર પાણીની બોટલ ૪૦ રુપિયામાં વેચાતી હોવાનો અસ્વીકાર નહોતો કર્યો. ત્યાર બાદ ફોરમે મલ્ટિપ્લેકસને ફરિયાદીના પૈસા ૧૨ ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે મલ્ટિપ્લેકસને ફરિયાદીને માનસિક ત્રાસ આપવા બદલ પાંચ હજાર રુપિયા અને કોર્ટ ખર્ચના બે હજાર રુપિયા ૩૦ દિવસની અંદર ચુકવી આપવાનો નિર્દેશ આપ્યો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન મલ્ટિપ્લેકસના અધિકારીઓએ સરકારી મંજૂરીનો હવાલો આપ્યો હતો અને પોતાના ગ્રાહકોને મોલમાં સારી સુવિધા આપવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. જો કે, તેમના વકીલે અડધા લિટર પાણીની બોટલ ૨૦ના બદલે ૪૦ રુપિયામાં વેચાતી હોવાનું સ્વીકાર્યું હતું.

(11:29 am IST)