મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

ટ્રેનની મુસાફરી વધુ મોંઘી બનશેઃ ભાડું વધારવાની તૈયારીમાં રેલવે

નવી દિલ્હી તા. ૧૪ : જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો આવનારા સમયમાં તમને  ઝાટકો લાગી શકે છે. ભારતીય રેલવે યાત્રીઓ પાસેથી અત્યાર કરતાં વધુ ભાડુ વસુલવાની તૈયારી કરી રહી છે અને એને લઇને ટુંક સમયમાં નોટિફીકેશન જારી કરવામાં આવી શકે છે. હકીકતમાં રેલવેના પુનઃ વિકસિત સ્ટેશનો પર ઉપલબ્ધ જનસુવિધાઓ માટે એરપોર્ટ જેટલા ચાર્જિસ લાગુ કરવામાં આવશે. હવાઇ યાત્રામાં જનસુવિધા વિકાસ શુલ્ક એટલે કે યુડીએફ ટેકસનો હિસ્સો હોય છે. જેની ચુકવણી હવાઇ યાત્રી કરે છે હવે રેલવેમાં પણ આ ચાર્જ લાગુ કરવામાં આવશે.

આ સંદર્ભે જાણકારી આપતા રેલવે બોર્ડના અધ્યક્ષ્ વી.કે.યાદવે જણાવ્યું કે જનસુવિધા વિકાસ શુલ્ક એરપોર્ટ સંચાલકો તરફથી લેવામા આવતા ચાર્જિસ જેવા જ હશે. એના દ્વારા સ્ટશેનોના વિકાસ માટે ધનની વ્યવસ્થા હશે. આ ચાર્જિસ મામુલી હશે. યાદવે જણાવ્યું કે સર્વિસ-ચાર્જને કારણે ભાડામાં મામુલી વધારો થશે. પરંતુ એનાથી યાત્રીઓને વિશ્વ સ્તરીય સ્ટેશનોની સુવિધા આપવામાં આવશે.

જો કે નવાં વિકસિત રેલવે સ્ટેશનો પર ચાર્જિસ જયાં આવનારા યાત્રીઓની સંખ્યાના આધારે અલગ-અલગ હશે. રેલવે મંત્રાલય ટુંક સમયમાં ચાર્જિસ સ્વરૂપે વસુલવામાં આવતી રકમ સાથે સંબંધિત નોટીફીકેશન જારી કરશે.

સાથે જ સરકારે ભારતીય રેલવે સ્ટેશન પુનવિકાસ નિગમ લિમીટેડ દ્વારા ર૦ર૦-'ર૧ માં દેશભરમાં પ૦ સ્ટેશનોના પુનવિકાસ માટે ટેન્ડર જારી કરવાની યોજના બનાવી છે અને એના પર પ૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ છે.

(10:24 am IST)