મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

જજોની અછત...નીચલી અદાલતોમાં ૨,૯૧,૬૩,૨૨૦ કેસ ન્યાય માટે તરસે છે

ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યાઃ સુપ્રિમ કોર્ટમાં જ ૫૮૭૦૦ તથા વિવિધ હાઈકોર્ટમાં ૪૪ લાખ કેસો પેન્ડીંગ છેઃ તારીખ પે તારીખ પડે છે : દેશમાં પ્રતિ ૧૦ લાખ લોકો પર ફકત ૧૮ ન્યાયધીશ છેઃ હોવા જોઈએ ૫૦: પદોની સંખ્યા વધારીને ત્રણ ગણી કરવી પડશે

નવી દિલ્હી, તા. ૧૪ :. વર્તમાનમાં ભારતની નીચલી અદાલતોમાં લગભગ ૨,૯૧,૬૩,૨૨૦ કેસ પેન્ડીંગ છે. ન્યાયધીશોની અછત તથા દેશભરમાં જનસંખ્યાની તુલનામાં ન્યાયધીશોની ઓછી સંખ્યાવાળા રાજ્યો જેમ કે યુપી, પ.બંગાળ અને બિહારમાં પેન્ડીંગ કેસોની સંખ્યા વધુ છે. આમા સિવીલ કેસની સંખ્યા ૮૪,૫૭,૩૨૫ અને ક્રિમીનલ કેસોની સંખ્યા ૨,૦૭,૦૫,૮૯૫ છે.

યુપી, પ.બંગાળ, બિહાર, ઓડીસા, તામીલનાડુ, રાજસ્થાન અને કેરળ એવા રાજ્યો છે જ્યાં પેન્ડીંગ કેસોની સંખ્યા વધુ હોવાનું કારણ ન્યાયધીશોની સંખ્યા ઓછી છે.

યુપીમાં પ્રતિ ન્યાયધીશ લગભગ ૩૫૦૦ મામલા પેન્ડીંગ છે. આની વિપરીત પંજાબ, મ.પ્રદેશ, કાશ્મીર, સીક્કીમ અને મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં રાજ્યોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા ઓછી હોવાનું કારણ ન્યાયધીશોની સંખ્યા વધુ છે. આ સિવાય દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક એવા રાજ્ય છે જ્યાં ન્યાયધીશોની સંખ્યા વધુ હોવા છતા પેન્ડીંગ કેસની સંખ્યા વધુ છે. જો કે મેઘાલય, છત્તીસગઢ, ઝારખંડ, આંધ્ર અને તેલંગણા એવા રાજ્યો છે જ્યાં જજોની સંખ્યા ઓછી હોવા છતા પેન્ડીંગ કેસોની સંખ્યા ઓછી છે.

ભારતના મુખ્ય ન્યાયધીશ પણ કોર્ટની વિવિધ સમસ્યાઓને લઈને અગાઉ વડાપ્રધાનને પત્ર લખી ચૂકયા છે. જેમાં હાઈકોર્ટમાં જજોની સંખ્યા વધારવા, સુપ્રીમ કોર્ટમાં જજોની નિવૃતિ વય વધારવા અને ખાલી જગ્યાઓ ભરવા અનુરોધ કર્યો હતો.

સરકારી આંકડા અનુસાર સુપ્રીમ કોર્ટમાં ૫૮૭૦૦ તથા હાઈકોર્ટમાં લગભગ ૪૪ લાખ અને જિલ્લા તથા નિચલી અદાલતમાં ૩ કરોડ કેસ પેન્ડીંગ છે. આ પેન્ડીંગ કેસોમાંથી ૮૦ ટકાથી વધુ કેસ જિલ્લા અને તેથી નીચલી કોર્ટના છે. આનુ મુખ્ય કારણ ભારતમાં કોર્ટની અછત, ન્યાયધીશોના સ્વીકૃત પદો ઓછા હોવા તથા પદોની ખાલી જગ્યા છે.

૨૦૧૧ની વસ્તી ગણતરીના આધાર પર દેશમાં દર ૧૦ લાખ લોકો પર ફકત ૧૮ જજ હતા જે ૫૦ હોવા જોઈએ. આ સ્થિતિ સુધી પહોંચવા માટે પદોની સંખ્યા વધારીને ૩ ગણી કરવી પડશે.

(10:22 am IST)