મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

મોદી મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ શરૂ

બજેટ સત્રના બીજા ચરણ પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશેઃ જેડીયુ અને જગન રેડ્ડીનો પક્ષ સામેલ થાય તેવી શકયતા : અપના દળને પણ સ્થાન મળી શકે છેઃ રામવિલાસ પાસવાનની જગ્યાએ તેમના પુત્ર ચિરાગ પાસવાનને મંત્રી પદ મળે તેવી શકયતા

નવી દિલ્હી, તા. ૧૪ :. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મોદી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડયુ છે. પરમ દિવસે આંધ્રના સીએમ જગનમોહન રેડ્ડી પીએમ મોદીને દોઢ કલાક મળ્યા હતા. આ જ ક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું મન પણ જાણવામા આવી રહ્યુ છે. માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા સત્રથી પહેલા વડાપ્રધાન મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ કરી શકે છે.

આ અંગેની ચર્ચા બજેટ સત્ર પહેલાથી થતી હતી. દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ બીનકોંગી વિપક્ષો એક થાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી હલચલ શરૂ થઈ છે. સરકાર સાથીઓને રાજી કરવા અને એનડીએ સિવાયના પક્ષોને લાવવા માગે છે. ભાજપ વાયએસઆર કોંગ્રેસને કેબીનેટમાં સામેલ કરવા માગે છે.

જો પક્ષ રાજી ન થાય તો તેને લોકસભાનું ડેપ્યુટી સ્પીકર પદ અપાશે. જો જગન રેડ્ડી માની જશે તો ડે. સ્પીકર પદ નવીન પટનાયકના પક્ષને મળી શકે છે. આનાથી ભાજપ રાજ્યસભામા તાકાત વધારી શકે છે.

સરકારની રચના સમયે મતભેદના કારણે જેડીયુ મંત્રી મંડળમાં સામેલ નહોતુ થયું. અપના દળ પણ સામેલ નહોતુ થયું. આ દરમિયાન સાથીઓએ એનડીએની કાર્યશૈલી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. પાસવાન પોતાના પુત્ર ચિરાગને પ્રધાન બનાવવા માગે છે. બિહારમાં આ વર્ષે ચૂંટણી યોજવાની છે. તે જોતા જેડીયુ સરકારમા સામેલ થાય અને લોજપા પણ રહે તેવુ સરકાર માને છે. સાથીઓ સાથે સારા સંબંધોનો સંદેશ આપવા અને યુપીમાં અત્યારથી તૈયારી શરૂ કરવા માટે અપના દળને પણ સાથે રાખવુ જરૂરી છે. શિવસેના બહાર જતા જેડીયુને વધુ મંત્રી પદ આપવા સરકારને વાંધો નથી.

(9:58 am IST)