મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

દિલ્હીમાં કોંગ્રેસની હાર અંગે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉઠાવ્યા સવાલ :કહ્યું પાર્ટીને નવી વિચારધારા અને કાર્યપ્રણાલિની જરૂર

દેશના લોકો સાથે નવા પ્રકારે વિચારવાનો અને જોડાવવાનો વિકલ્પ પસંદ કરવો પડશે

નવી દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસના પરાજયને લઈને પાર્ટીના નેતા એકબીજા પર ઠીકરા ફોડી રહ્યાં છે તો ક્યારેક રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યાં છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીની હારને પાર્ટી માટે નિરાશાજનક ગણાવી છે.

છેલ્લા કેટલાક સમયથી પાર્ટી લાઈનથી હટીને નિવેદનો કરનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્ય પ્રદેશના પૃથ્વીપુરમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર કહ્યું હતું કે, અમારી પાર્ટી માટે ખુબ નિરાશાજનક છે. એક નવી વિચારધારા અને એક નવી કાર્યપ્રણાલીની તત્કાળ જરૂરિયાત છે. દેશ બદલાયો છે. આથી અમારે દેશના લોકો સાથે નવા પ્રકારે વિચારવાનો અને જોડાવવાનો વિકલ્પ પસંદ કરવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ દિલ્હી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સુભાષ ચોપડાએ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ આ હારની જવાબદારી લીધી હતી.

દિલ્હી કોંગ્રેસના પ્રભારી રહેલા પીસી ચાકોએ તો દિલ્હીમાં કોંગ્રેસની હાર માટે પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતને જવાબદાર ઠેરવી દીધા. વિવાદ વધતો જોઈને ચાકોએ પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા દિલ્હીના પ્રદેશ પ્રભારી પદેથી રાજીનામું આપી દીધુ. તેમનું રાજીનામું પાર્ટીએ સ્વીકારી પણ લીધુ છે.

(12:25 am IST)