મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

જુનાગઢ - ભવનાથના મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ મેળો જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરી ગિરનાર ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કરાશે : ગિરનારના પગથીયાનો જીર્ણોધાર કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય : પૌરાણિક અને ભક્તિમય મહાશિવરાત્રીના મેળામાં દિગમ્બર સાધુની શાહી રવેડીના દર્શન કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી : સાધુ સંતોની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરાતા ભાવિકોમાં હર્ષની લાગણી

જુનાગઢ : પૌરાણિક અને ભક્તિમય મહાશિવરાત્રીના મેળામાં દિગમ્બર સાધુની શાહી રવેડીના દર્શનાર્થે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જુનાગઢ આવ્યા હતા. તેમની સાથે તેમના પત્ની શ્રીમતી અંજ્નીબેન અને યુવા મંત્રી જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે ગિરનાર ખાતે યોજાતા ભવનાથના મેળાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મિની કુંભ મેળો જાહેર કરવામાં આવ્યો હતો. શ્રી રૂપાણીએ કહ્યું હતું કે ગિરનારના મહા શિવરાત્રિના મેળાનું આગવું મહત્વ છે અને અહીં દર વર્ષે લાખો શિવભક્તો આ મેળામાં આવે છે. આગામી વર્ષથી આ મેળાને મીનિ કુંભ તરીકે ઓળખવામાં આવશે અને દર્શનાર્થે આવતા ભક્તોને તમામ સુવિધાઓ આપવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત મંગળવારે સાંજે કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી વર્ષથી આ મેળાના આયોજન અને વ્યવસ્થાપન માટે ગિરનાર ડેવલપમેન્ટ ઑથોરિટીની રચના કરવામાં આવશે, જે ગિરનારના દર્શને આવતા લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન થાય તેની કાળજી લેશે. ગિરનારના પગથીયાનો પણ જીર્ણોધાર કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય આ સાથે વિજયભાઈએ જાહેર કર્યો હતો.

જૂનાગઢના ગરવા ગીરના સાનિધ્યમાં દરવર્ષે યોજતા મહાશિવરાત્રીને મેળામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની પધાર્યા હતા ત્યારે ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોશી અને સાધુ સંતોની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને મીની કુંભનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના મેળાને મીની કુંભનો દરજ્જાઓ આપવાની જાહેરાત કરતા ભાવિકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મહા શિવરાત્રિના પર્વ પર યોજાતા આ મેળાનું ખૂબ જ મહત્વ છે. મેળામાં શિવભક્તોની ભીડ ઉમટે છે અને સાથે-સાથે નાગા સાધુના દર્શનનો પણ મહિમા છે.

મેળાના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અહીં આવેલો દામોદર કુંડમાં ડૂબકી લગાવવાનું ખૂબ મહાત્મ છે. આ કુંડમાં માત્ર નાગા સાધુઓ જ ડૂબકી લગાવે છે. આ ઉપરાંત અહીં નીકળતી ભગવાન શિવની શોભાયાત્રાનું પણ અનેરું મહત્વ છે.

 

(12:40 pm IST)