મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

નોર્થ કોરિયાના તાનાશાહનો હુંકાર

અમારી પરમાણુ તાકાત જોઇ ડરી ગયું અમેરિકા

પ્યોંગયાંગ તા. ૧૪ : નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ઘના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. નોર્થ કોરિયાના સંયુકત રાષ્ટ્ર મિશને જણાવ્યું કે, જે રીતે અમેરિકા તેના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જે દર્શાવે છે કે, વોશિંગ્ટન નોર્થ કોરિયાના પરમાણુ હથિયારોથી ગભરાયેલું છે.નોર્થ કોરિયા સાથે ચર્ચા કરવા US તૈયાર

નોર્થ કોરિયામાં માનવાધિકારોના ઉલ્લંઘન માટે અમેરિકા હંમેશાથી નોર્થ કોરિયાના ટાર્ગેટ પર રહ્યું છે. બીજી તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે કોઈ પણ પૂર્વ શરતો વિના નોર્થ કોરિયા સાથે ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે. સૂત્રોનું માનીએ તો, વિન્ટર ઓલમ્પિક દરમિયાન નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા જેવા કટ્ટર વિરોધી દેશોના પરસ્પર આદરના વલણને જોતાં અમેરિકાએ આ પગલું ભર્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

જોકે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, જયાં સુધી નોર્થ કોરિયા તેના પરમાણું કાર્યક્રમ પર સંપૂર્ણ રોક નહીં લગાવે ત્યાં સુધી અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવવાનું ચાલુ રાખશે.

નોર્થ કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને શાંતિપ્રક્રિયાના પ્રયાસો કરવા માટે સાઉથ કોરિયાના વખાણ કર્યા હતા. કિમ જોંગે કહ્યું કે, સાઉથ કોરિયા સાથે તે સમાધાનકારી વલણ બનાવી રાખવા ઈચ્છે છે. આ અંગેની માહિતી નોર્થ કોરિયાની સરકારી એજન્સી દ્વારા આપવામાં આવી છે.

સાઉથ કોરિયાથી પરત ફર્યા બાદ નોર્થ કોરિયાના પ્રતિનિધિ મંડળે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તેને જોયા બાદ કિમ જોંગે ઉપર મુજબનું નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે, પ્યોંગચાંગમાં આયોજીત વિન્ટર ઓલમ્પિકના ઉદઘાટન સમારોહમાં કિમ જોંગ અને તેની બહેન પ્રતિનિધિ મંડળ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:18 am IST)