મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

ટ્રેનમાં નસકોરા બોલાવતા પેસેન્જરને લોકોએ કરી આવી 'સજા'

મુંબઇ તા. ૧૩ : મુંબઇથી નીકળેલી ટ્રેનના મુસાફરો એક પ્રવાસીથી એટલા બધા પરેશાન થઇ ગયા કે તેમણે મધ રાત્રે હોબાળો મચાવવો પડ્યો હતો. એક પ્રવાસીના નસકોરાંથી પરેશાન થઇ ગયેલા સાથી મુસાફરોએ વિરોધ કર્યો હતો. વિરોધ બાદ તે વ્યકિત ન ઊંઘવાનો નિર્ણય લીધો હતો અને બાદમાં અન્ય તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો.

મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનથી ચાલતી એલટીટી-દરભંગા એકસપ્રેસમાં એક પ્રવાસીએ રિઝર્વેશન કરાવ્યું હતું. ટ્રેનમાં યાત્રા દરમિયાન રામચન્દ્ર નામના આ પ્રવાસીના નસકોરાંથી અન્ય મુસાફરો પરેશાન થઇ ગયા હતા. પ્રવાસીઓ એટલી હદે હેરાન થઇ ગયા હતા તે ૮-૧૦ લોકોએ રામચન્દ્રની સીટ પર આવી વિરોધ કરવો પડ્યો. આ અંગે માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચેલા ટીટીઇ ગણેશ વિરહાએ આ મામલે હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

દરમિયાન ટીટીઇ ગણેશ વિરહાએ કહ્યું કે, 'મેં પ્રવાસીઓને જણાવ્યું કે રેલવેની નિયમાવલી મુજબ ટ્રેનમાં ઊંઘી રહેલા કોઇપણ પ્રવાસીને પરેશાન કરવો ખોટું છે. જે બાદ વિરોધ કરી રહેલા મુસાફરોએ કહ્યું કે રામચન્દ્રના નસકોરાંથી અન્ય તમામ પ્રવાસીઓ પરેશાન છે.'

એમણે કહ્યું કે વિરોધ અને હસ્તક્ષેપ બાદ રામચન્દ્રએ કહ્યું કે, પ્રવાસ દરમિયાન તેઓ અન્ય કોઇ યાત્રીઓને પોતાના નસકોરાંથી હેરાન કરવા માગતા નથી અને તેઓ બપોર સુધી ઊંઘશે નહીં, બાદમાં વિરોધ કરી રહેલા પ્રવાસીઓનું ટોળું શાંત થયું હતું.

વધુમાં ટીટીઇ વિરહાએ કહ્યું કે બપોર સુધીમાં વિરોધી યાત્રીઓ અને રામચન્દ્ર વચ્ચે મિત્રતા પણ થઇ ગઇ હતી. રેલવેના અન્ય એક અધિકારીએ કહ્યું કે અવાર-નવાર ટ્રેનમાં નસકોરાંની ફરિયાદો સામે આવતી રહેતી હોય છે. ટ્રેનમાં ખોટી રીતે હોબાળો મચાવી અન્ય પ્રવાસીઓને હેરાન કરનાર શખ્સને દંડ ફટકારવામાં આવતો હોય છે, પરંતુ નસકોરાં જેવી સ્થિતિમાં કોઇ કાર્યવાહી ન કરી શકાય.

(4:41 pm IST)