મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

મોદી સરકાર આકરા પાણીએઃ પાકિસ્તાનને નાની યાદ કરાવી દેવાશે

સતત ત્રાસવાદી હુમલા ખતમ નહિ થાય તો પાકિસ્તાન વિરૂધ્ધ મહાકાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ ગંભીર મંત્રણાઃ દિલ્હીમાં બેઠકોનો ધમધમાટઃ સંરક્ષણ મંત્રીનું ગઇકાલનુ નિવેદન ઘણુ મહત્વનું: હવે સરકાર રાહ જોવા નથી માંગણી

નવી દિલ્હી તા.૧૩ : જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ત્રાસવાદી હુમલા થકી છાંયા યુધ્ધનો ખેલ ખેલવાનુ બંધ ન કર્યુ તો તેને તેની ભારે કિંમત ચુકવવી પડશે. કાશ્મીર ખીણમાં સુંઝવા સૈન્ય કેમ્પ બાદ શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખી હવે કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરૂધ્ધ મોટી કાર્યવાહી લઇને ગંભીર મંથન કરી રહી છે. આ ત્રાસવાદી હુમલામાં જેશ એ મહમદ અને લશ્કર એ તોઇબાનો હાથ હોવાના નક્કર પુરાવાઓ મળતા આકરી વળતી કાર્યવાહી કરવાના વિકલ્પ ઉપર સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ગઇકાલે જ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ કહી દીધુ હતુ કે પાકિસ્તાને કિંમત ચુકવવી પડશે.

 

ત્રાસવાદી હુમલા બાદ સરકારમાં ઉચ્ચકક્ષાએ ચાલી રહેલા બેઠકોના દોરમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષાની સાથે પાક.ને પાઠ કઇ રીતે ભણાવવો તેના ઉપર ઉંડાણથી ચર્ચા-વિચારણા થઇ રહી છે. આ વળતી કાર્યવાહીની ગંધ આવતા પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઇકને લઇને ચેતવણી ઉચ્ચારી છે. સંરક્ષણ મંત્રાલય, લશ્કરી હેડ કવાટર અને ગૃહ મંત્રાલયમાં સીમા પારથી પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવાની રણનીતિ ઉપર બેઠકોના દોર ચાલ્યા હતા. જેમાં લશ્કરી વડા જનરલ બીપીન રાવતની સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનની બેઠક ઘણી મહત્વની હતી.

આ બેઠક બાદ સંરક્ષણ મંત્રી સુંઝવા આર્મી કેમ્પની પરિસ્થિતિની જાત માહીતી લેવા જમ્મુ ગયા હતા. તેમણે જમ્મુમાં જ પાક.ને આકરી કિંમત ચુકવવી પડશે એવી ચેતવણી આપી સરકારના સંભવિત ઇરાદાઓના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા તો બીજી તરફ ગૃહમંત્રી રાજનાથસિંહે સીઆરપીએફના કેમ્પ ઉપર હુમલાને ગંભીર ગણી ગૃહ મંત્રાલયમાં ટોચની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આઇબીના વડા પણ હાજર હતા. આ બેઠકમાં વધુ સુરક્ષા એલર્ટને લઇને ગૃહમંત્રીને પ્રેઝેન્ટેશન અપાયુ હતુ. સીમા પર ઘુસણખોરી નિષ્ફળ બનાવવા બીએસએફ અને સેનાની તૈયારીની પણ સમીક્ષા થઇ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સેના, ગૃહ મંત્રાલય અને જે.કે.પોલીસના અધિકારીઓ વચ્ચે પણ ત્રાસવાદીઓ વિરૂધ્ધના ઓપરેશનને વેગવંતુ બનાવવાની રણનીતિ ઉપર ચર્ચા-વિચારણા થઇ હતી.(૩-૬)

(10:43 am IST)