મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

મની લોન્ડરિંગ કેસ : TMCના પૂર્વ સાંસદ કેડી સિંહની ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ દ્વારા કાર્યવાહી : મની લોન્ડરિંગના બે જુદા જુદા કેસમાં ઈડીએ સપ્ટેમ્બર ૨૦૧૯માં સિંહના ઘણા ઠેકાણા પર તપાસ હાથ ધરી હતી

નવી દિલ્હી, તા. ૧૩ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તૃણમૂલના પૂર્વ સાંસદ કે ડી સિંહની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે. ઈડીની અધિકારીના જણાવ્યા મુજબ પૂર્વ સાંસદ કેડી સિંહની પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત એક કેસમાં બુધવારે ધરપકડ કરવામાં આવી છે. ટીએમસીના પૂર્વ સાંસદ સિંહ છેલ્લા થોડા સમયથી પાર્ટીની બાબતોમાં પણ સામેલ નથી રહેતા.

મની લોન્ડરિંગના બે જુદા જુદા કેસમાં ઈડીએ સપ્ટેમ્બર ૨૦૧૯માં કે ડી સિંહના વિવિધ ઠેકાણાઓ પર તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ કે ડી સિંહ અલકેમિસ્ટ ગ્રુપના ચેરમેન હતા તેમજ ૨૦૧૨માં પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ચેરમેન, ઈમેરિટસ અને સ્થાપક તરીકે યથાવત હતા. ઈડી મની લોન્ડરિંગના બે કેસમાં કે ડી સિંહની પૂછપરછ કરી રહ્યું છે.  

ઈડીના સૂત્રોના મતે દરોડા દરમિયાન સિંહ પાસેથી કેટલાક શંકાસ્પદ નાણાં વ્યવહાર થયા હોવાનું જણાયું હતું. આ ઉપરાંત ડિજિટલ પુરાવા અને મિલકતના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. દિલ્હી સ્થિત પૂર્વ સાંસદના ઘરે તપાસમાં ઈડીને ૩૨ લાખની રોકડ તેમજ ૧૦,૦૦૦ યુએસ ડોલર વિદેશી ચલણ મળ્યું હતું. કે ડી સિંહ ૨૦૧૪માં તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.

(12:00 am IST)