મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

બિહારના મુંગેર જીલ્લામાં રજા ન મળતા હોમગાર્ડના જવાને અંધાધૂંધ ગોળીબાર કરીને ગુસ્‍સો ઠાલવ્‍યોઃ અન્‍ય સાથીઓ નક્‍સલી હૂમલો સમજતા ધડાધડ ફાયરીંગ કરતા જવાન માર્યો ગયો

મુંગેરઃ હોમગાર્ડના એક જવાનને ગુસ્સામાં ગોળીઓ છોડતા મોતને ભેટવું પડ્યું. આ ઘટના જવાનોની સમસ્યા રજા નહીં મળવા પર પ્રકાશ પાડે છે. તેમને રજા નહીં મળતા તેઓ કેટલા નાસીપાસ થઇ જઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ બિહારના મુંગેર જિલ્લામાં હોમગાર્ડના એક જવાનને ઘેર જવા રજા મળી નહીં. તેથી તેણે ટોઇલેટ પાસે જઇ પોતાની સર્વિસ રાયફલથી અંધાધૂંધ ગોળીબાર કરી પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

પરંતુ ગાર્ડ મથક પર તહેનાત તેના અન્ય સાથીઓ નકસલી હુમલો સમજી બેઠા અને તેમણે પણ ધડાધડ ફાઇરિંગ શરૂ કરી દીધું. જેમા જવાન માર્યો ગયો.

ઘટના સોમવાર અડધી રાતની છે. જ્યારે હોમગાર્ડ જવાન મોહમ્મદ ઝાહિદ પરિસરના ટોઇલેટ પાસેથી જ બરિયાપુર હોમગાર્ડ મથક પર ગોળીબાર કરવા લાગ્યો હતો. ફાઇરિંગ થતાં મથક પર તહેનાત અન્ય જવાનોએ પણ મોરચો સંભાળી લીધો હતો.

મૃતક જવાનના પુત્રનો આરોપઃ પિતાની હત્યા કરાઇ

ગોળીબારની માહિતી મળતા સ્ટેશન ઇન્ચાર્જે SP માનવજીત સિંઘ ઢિલ્લોને જાણ કરી હતી. તેમણે ઘટનાસ્થળે જઇ જોયું કે બંને તરફથી ફાઇરિંગ થઇ રહ્યું છે. જેમાં એક ગોળી મોહમ્મદ ઝાહિદને વાગતે તેનું મોત થઇ ગયું. ઝાહિદના પુત્રે પોલીસ પર પિતાની હત્યા કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

ત્રણ દિવસ પહેલાં બલિયાપુર મથકમાં પોસ્ટિંગ

વાસ્તવમાં મૃત્યુ પામેલો હોમગાર્ડ જવાન મોહમ્મદ જાહિદ ત્રણ દિવસ પહેલાં જ બરિયાપુર મથકમાં પોસ્ટેડ થયો હતો. તે 1989થી હોમગાર્ડની સેવા બજાવી રહ્યો હતો. તેના પરિવારજનોએ બે દિવસ પહેલાં બરિયાપુર મથકે પહોંચી અધિકારીઓ પાસે આરોગ્ય ખરાબ હોવાનું કારણ આપી રજાની અરજી કરી હતી.

પરંતુ જવાનની રજા મંજૂર થઇ નહીં. તેથી તેણે માનસિક સંતુલન ગુમાવી નજીકમાં જ બનેલા ટોઇલેટ પાસે જઇ ફાઇરિંગ કરવા માંડ્યું હતું.

એસપી માનવજીત સિંઘ ઢિલ્લોએ જણાવ્યું કે હોમગાર્ડ મથકના પરિસરમાં ગોળીબાર થવાની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચી માહિતી મેળવી હતી. પછી અન્ય મથકોની પોલીસને બોલાવી અપરાધીને ઘેર્યો હતો.

બે કલાક સુધી બંને તરફથી ગોળીહારની રમઝટ

આશરે બે કલાક સુધી બંને તરફથી ગોળીબાર થયો, જેમાં એક ગોળી વાગતા અપરાધી ઠાર મરાયો. આ ઘટનામાં બંને બાજુથી 50 રાઉન્ડ ગોળીબાર થયો હતો. પછીથી તપાસ કરતા જણાયું કે તે મથકમાં જ તહેનાત હોમગાર્ડ જવાન મોહમ્મદ ઝાહિદ છે.

ગુનાહિત કૃત્ય હોઇ કોઇ સહાય નહીં મળે

હોમગાર્ડ દ્વ્રારા ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હોવાથી તેને કોઇ પણ પ્રકારની સહાય નહીં મળી શકે. એસપીએ જણાવ્યું કે મોહમ્મદ ઝાહિદ સામે વિધિવત FIR દાખલ કરવામાં આવશે. પછી સમગ્ર ઘટનાની માહિતી માનવઅધિકાર પંચને આપવામાં આવશે.

દરમિયાન આ સમગ્ર ઘટના અંગે મુંગેર રેંજના DIG શફીઉલ હકે જણાવ્યું કે સોમવાર રાત્રે 111.45 કલાકની આ ઘટના છે. જેમ કે તપાસમાં જણાયું કે બાથરુમની સાઇડથી ગોળીબાર થવાનો અવાજ આવતા મથકમાં હડકંપ મચી ગયો.

જવાને પાસેની 50માંથી 10 ગોળીઓ છોડી

લાગ્યું કે હુમલો થઇ ગયો છે. ત્યાર બાદ મથકમાંથી પણ ફાઇરિંગ થયું. હોમગાર્ડ જવાન પાસે બચેલી ગોળીઓ ગણી તો ખબર પડી કે 50 ગોળી તેને ઇસ્યુ થઇ હતી. જેમાંથી 40 ગોળી તેની બેગમાંથી મળી આવી.

અત્યારે તપાસ ચાલી રહી છે. અમે તેના પરિવારજનોના નિવેદન લઇ રહ્યા છે. પછી હોમગાર્ડ મથકના લોકોની પણ જુબાની લેવાશે. પછી કોઇ તારણ પર પહોંચીશું.

(4:59 pm IST)