મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

સીરમ બાદ હવે ભારત બાયોટેકને પણ સરકાર દ્વારા અપાયો ૫૫ લાખ ડોઝનો ઓર્ડર

૧૬.૫૦ લાખ ડોઝ ફ્રી અપાશે : બાકીના ૩૮.૫ લાખ ડોઝની કિંમત ૨૯૫ રૂપિયા પ્રતિ ડોઝ

નવી દિલ્‍હી તા. ૧૩ : ભારતમાં ૧૬ જાન્‍યુઆરીના રોજથી દેશવ્‍યાપી રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો શરુ થવા જઈ રહ્યો છે, જેના માટે સીરમની કોવિશિલ્‍ડ અને ભારત બાયોટેકની કોવાકસિનને મંજૂરી આપવામાં આવી છે, અને આ ચરણની શરૂઆત માટે સરકાર દ્વારા બંને કંપનીઓને પ્રારંભિક ઓર્ડર પણ આપી દેવામાં આવ્‍યા છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ દ્વારા મીડિયાને અપાયેલી માહિતી અનુસાર પુણેની સીરમ ઇન્‍સ્‍ટિટ્‍યૂટને પ્રારંભિક ઓર્ડરમાં ૧.૧૦ કરોડ ડોઝ કોવિશિલ્‍ડનો ઓર્ડર અપાયો છે, જેની પ્રતિ ડોઝ કિંમત ૨૦૦ રૂપિયા છે અને  તેના પછી ભારત બાયોટેકની કોવાક્‍સિનનો પણ હવે ઓર્ડર આપી દેવામાં આવ્‍યો છે. આરોગ્‍ય મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર હાલમાં ૫૫ લાખ ડોઝ ખરીદવાનો ઓર્ડર અપાયો છે જેની પ્રતિ ડોઝ કિંમત ૨૯૫ રૂપિયા રહેવાની છે.

યુનિયન હેલ્‍થ સેક્રેટરી રાજેશ ભૂષણ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ભારત બાયોટેક ૧૬.૫૦ લાખ જેટલા ડોઝ સરકારને ફ્રી આપવાની છે અને તેના પછીના બાકીના ૩૮.૫ લાખ ડોઝ માટેની કિંમત ૨૯૫ રૂપિયા રહેવાની છે.

મહત્‍વનું છે કે થોડા સમય પહેલા વડાપ્રધાન મોદીએ રસીકરણ અભિયાન બાબતે વિવિધ રાજયોના મુખ્‍યપ્રધાનો સાથે મિટિંગ કરી હતી અને સ્‍થિતિની સમીક્ષા કરી હતી, આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્‍યું હતું કે અમુક પરિબળો દ્વારા રસીકરણ અભિયાનને લઈને લોકોમાં ભ્રમની સ્‍થિતિ ઉભી કરવામાં આવી રહી છે જેને લઈને રાજયોએ સતર્ક રહેવાની જરૂર છે અને રસીકરણ મામલે અગાઉથી જે વ્‍યવસ્‍થાઓ બનવાયેલી છે તે જરૂરથી આ અભિયાનમાં કામ લાગશે તેવો તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

દરમિયાનમાં આજે સીરમ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ઈન્‍ડિયા પૂણે ખાતેથી કોવિશિલ્‍ડના પ્રથમ જથ્‍થાનું વિતરણ શરૂ કરી દેવાયું હતું, આજે ગુજરાતના અમદાવાદ ખાતે પણ કોવિશિલ્‍ડનો પ્રથમ જથ્‍થો મોકલી દેવાયો છે અને આ સિવાય અન્‍ય શહેરોમાં પણ ખૂબ જ જલ્‍દીથી તેને વિતરીત કરી દેવામાં આવશે.

આ સિવાય આરોગ્‍ય મંત્રાલયે મોટું નિવેદન આપતા જણાવ્‍યું હતું કે આવનારા મહિનાઓમાં હજુપણ વધુ વેક્‍સિન આવી શકે છે, મહત્‍વનું છે કે કેસ ઘટી રહ્યા છે પરંતુ હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે.

(1:06 pm IST)