મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

સુપ્રિમનો નિર્ણય અમાન્‍ય : દિલ્‍હીની સરહદે ઘર ગણી રહેશું

ખેડૂતોએ આંદોલન ચાલુ રાખવા કર્યું એલાન : જો બળજબરીથી હટાવવાનો પ્રયાસ થશે તો ૧૦,૦૦૦ ખેડૂતો મોતને ભેટશે : આપી ચેતવણી

નવી દિલ્‍હી તા. ૧૩ : સુપ્રિમ કોર્ટ ત્રણેય કૃષિ કાનુન ઉપર મનાઇ ફરમાવી છે પણ ખેડૂત સંગઠનોએ નિર્ણયને નકારી કાઢયો છે. ખેડૂતોએ કહ્યું છે કે જ્‍યાં સુધી ત્રણેય કાનુન પાછા નહિ ખેંચાય ત્‍યાં સુધી તેઓ દિલ્‍હીની સરહદને જ ઘર ગણીને રહેશે.

નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને આંશિક રાહત આપતાં સુપ્રીમ કોર્ટે આ કાયદાઓ પર કામચલાઉ સ્‍ટે મૂકી દીધો છે અને ચાર સભ્‍યોની સમિતિની નિમણૂક કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ દિલ્‍હી સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ખેડૂતો સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી નિરાશ છે. તેમને કોઈ રાહત મળી નથી. આ કાયદાઓ રદ નહીં થાય ત્‍યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. એટલું જ નહીં કેન્‍દ્ર સરકાર બળજબરીપૂર્વક અમને આંદોલન સ્‍થળેથી હટાવશે તો ૧૦ હજારથી વધુ લોકોનાં મોત થઈ શકે છે તેવી ચેતવણી પણ ખેડૂતોએ આપી છે.

કૃષિ કાયદાઓ પર સ્‍ટે મૂકવાના સુપ્રીમ કોર્ટના આદેશને આવકરતાં ખેડૂત સંગઠનોએ આંદોલન બંધ કરવાનો ધરાર ઈનકાર કરી દીધો હતો. ખેડૂત સંગઠનોએ જણાવ્‍યું કે, તેમને સરકાર અને સુપ્રીમ દ્વારા નિયુક્‍ત સમિતિમાં કોઈ વિશ્વાસ નથી. આ સમિતિના બધા જ સભ્‍યો સરકાર અને કૃષિ કાયદાના સમર્થકો છે. તેઓ કૃષિ કાયદાના સમર્થનની જાહેરમાં વકીલાત કરી ચૂક્‍યા છે. સરકારના જે ઈરાદા છે, સમિતિના પણ તે જ ઈરાદા છે. સમિતિનો અર્થ મુદ્દાને અભેરાઈએ ચઢાવી દેવાનો છે. ખેડૂત સંગઠનો સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિ સમક્ષ હાજર નહીં થાય.

ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્‍યક્ષ દર્શન પાલે કહ્યું, અમે કાલે રાતે જ કહ્યું હતું કે અમે મધ્‍યસ્‍થતા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કોઈપણ સમિતિનો સ્‍વીકાર નહીં કરીએ. અમને વિશ્વાસ હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્‍દ્ર માટે સમિતિની રચના કરાશે, જે તેમના ખભા પરથી બોજ હટાવશે. જોકે, ૧૫મી જાન્‍યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્‍ચે વધુ એક તબક્કાની વાટાઘાટો થવાની છે તેમાં ખેડૂત નેતાઓ હાજરી આપશે અને વાટાઘાટોને આગળ વધારશે. ઉપરાંત ખેડૂતો દિલ્‍હીમાં ૨૬મી જાન્‍યુઆરીએ ટ્રેક્‍ટર પરેડ પણ યોજશે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્‍યું હતું કે, કૃષિ કાયદાઓ રદ ન થાય ત્‍યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. સરકાર ખેડૂતોને બળજબરીથી હટાવવાનો પ્રયાસ કરશે તો તેમાં ૧૦ હજાર લોકો માર્યા જઈ શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ખેડૂતોને કોઈ રાહત નથી મળી. આંદોલન લાંબુ ચાલશે. કોર્ટ દ્વારા નિયુક્‍ત સમિતિમાં આંદોલન કરી રહેલા ૪૦ સંગઠનોમાંથી કોઈ પણ સભ્‍યનું નામ નથી.

અગાઉ મોદી સરકારે લાગુ કરેલા નવા કૃષિ કાયદાઓ રદ કરવા માટે દિલ્‍હી સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોને રાહત આપવાના હેતુથી સુપ્રીમ કોર્ટે મંગળવારે વિવાદાસ્‍પદ નવા કૃષિ કાયદાઓ પર વધુ આદેશો આપવા સુધી સ્‍ટે મૂકી દીધો છે. પરીણામે સુપ્રીમ કોર્ટનો નવો આદેશ ન આવે ત્‍યાં સુધી લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની વર્તમાન વ્‍યવસ્‍થા ચાલુ રહેશે. વધુમાં સુપ્રીમ કોર્ટે આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્‍ચે કૃષિ કાયદા મુદ્દે સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા ચાર સભ્‍યોની એક સમિતિની નિમણૂક કરી છે.

મુખ્‍ય ન્‍યાયાધીશ એસએ બોબડેના અધ્‍યક્ષપદે સુપ્રીમ કોર્ટની બેન્‍ચે જણાવ્‍યું હતું કે, તેમના આદેશને પરિણામે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની વ્‍યવસ્‍થા વધુ આદેશો ન આવે ત્‍યાં સુધી અગાઉ ચાલતી હતી તેમ ચાલુ જ રહેશે. ન્‍યાયાધીશ એએસ બોપન્ના અને વી. રામસુબ્રમણ્‍યમને સમાવતી બેન્‍ચે જણાવ્‍યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્‍ત સમિતિ નવા કૃષિ કાયદાઓ મુદ્દે સરકાર, આંદોલનકારી ખેડૂતો અને અન્‍ય હિસ્‍સેદારોની વાતો સાંભળશે. ખેડૂતોની શંકાઓ અને ફરિયાદો પર વિચાર કરશે અને બે મહિનામાં તેની ભલામણો સાથેનો એક રિપોર્ટ સુપ્રીમને સોંપશે. આ સમિતિ ૧૦ દિવસની અંદર તેની પહેલી બેઠક યોજશે.

 

(11:20 am IST)