મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

મહિલાની જેમ હવે પુરૂષો પણ લઇ શકશે ગર્ભનિરોધક ગોળીઓ

નવી દિલ્‍હી તા. ૧૩ : બજારોમાં અત્‍યાર સુધી, ગર્ભનિરોધક ગોળીઓ ફક્‍ત મહિલાઓ માટે જ ઉપલબ્‍ધ છે, પરંતુ ટૂંક સમયમાં પુરુષો માટે પણ આવી શકે છે. આ ગર્ભનિરોધક ગોળીઓ ખાસ કરીને પુરુષો માટે બનાવવામાં આવી છે. આ ગોળીઓ ખૂબ અસરકારક પણ રહેશે.

વૈજ્ઞાનિકોએ આ શોધ અંગે ખુશી વ્‍યક્‍ત કરી છે. તેઓએ કહ્યું છે કે, ગર્ભનિરોધકના ક્ષેત્રમાં તે એક મોટું પગલું સાબિત થશે. પુરુષો પણ દરરોજ એક ગોળી ખાઈને ગર્ભનિરોધકમાં સફળ થઈ શકે છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, આ દવા પણ બરાબર એવી જ હશે, જેનો ઉપયોગ આજ સુધી મહિલાઓ કરતી હતી. બિલકુલ એવી જ ગર્ભનિરોધક ગોળી. તેને લોસ એન્‍જલસ બાયોમેડિકલ રિસર્ચ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ દ્વારા તૈયાર કરાઈ છે. આ માટે, સંસ્‍થાએ વાઙ્ઘશિંગ્‍ટન યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્‍યા હતા.

મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર, આ ગોળીનું નામ dimethandrolone undecanoate (DMAU) હશે, તે હોર્મોન્‍સને અસર કરશે. વૈજ્ઞાનિકો દ્વારા એવું કહેવામાં આવ્‍યું છે કે જન્‍મ નિયંત્રણની ગોળીઓ પુરુષોમાં ગર્ભધારણ માટે જરૂરી વીર્યની રચનાને અટકાવશે. તેનું સેવન સંપૂર્ણપણે સલામત રહેશે.

ઉલ્લેખનીય છેકે, ૧૯૫૦ થી વૈજ્ઞાનિકો આવી દવા વિકસાવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ હવે તેઓ સફળ થયા છે. જો કે, હજી સુધી તે સ્‍પષ્ટ થઈ શક્‍યું નથી કે આ દવાઓ બજારમાં કેટલા સમય આવશે અને તેની કેવી આડઅસર થશે.

(10:39 am IST)