મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

કોરોના વેક્સિન માટે ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર

વેક્સીનની કિંમતને લઇ સરકારે માહિતી પણ આપી : ભારત બાયોટેકની વેક્સીન બ્રાઝિલ જશે : કેન્દ્રનો પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટને ૧ કરોડ ૧૦ લાખ ડોઝનો ઓર્ડર

નલી દિલ્હી, તા. ૧૨ : કોરોના વાયરસની મહામારી સામે દેશમાં ૧૬ જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. સરકારે પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટને ૧ કરોડ ૧૦ લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. સીરમની વેક્સીન કોવિશીલ્ડની પ્રથમ ખેપ દેશના અલગ અલગ શહેરોમાં પહોંચવા પણ લાગી છે. સ્પાઈસજેટ વિમાન વેક્સીન લઈ દિલ્હી પહોચ્યું. વેક્સીનને કન્ટેનર સાથે કડક સુરક્ષા વચ્ચે રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને સ્ટોર કરવામાં આવશે.

કોરોનાની વેક્સીનને લઇને ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર થયો છે. કરાર બાદ ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીન હવે બ્રાઝિલ જશે. સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, સમગ્ર દેશ કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેઓ કોરોનાની સૌથી સસ્તી વેક્સીન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, સરકારને ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી વેક્સીન આપવામાં આવી રહી છે. આ કિમત પહેલા ૧૦૦ મિલિયન ડોઝની છે. તેમણે કહ્યું કે, વેક્સીનનો ઓર્ડર માર્ચ સુધી ૫થી ૬ કરોડ સુધી જશે. આરોગ્ય મંત્રાલયે દુનિયાના જુદા જુદા દેશોમાં વિવિધ વેક્સીનના ભાવ વિશે માહિતી આપી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે હાલમાં સીરમ સંસ્થા તરફથી વેક્સીનના ૧૧૦ લાખ ડોઝ મંગાવ્યા છે. તેની કિંમત ડોઝ દીઠ ૨૦૦ રૂપિયા (ટેક્સ બાદ કરતા) છે. ભારત બાયોટેકની કોવેક્સીનના ૫૫ લાખ ડોઝનો ઓર્ડર ભારત સરકારને આપ્યો છે. તેમાંથી ૧૬.૫ લાખ ડોઝ ભારત સરકારને વિના મૂલ્યે આપવામાં આવશે, જ્યારે ૩૮.૫ લાખ ડોઝની કિંમત ૨૯૬ રૂપિયા ડોઝ (ટેક્સને બાદ કરતા) થશે.

(12:00 am IST)